સુરતમાં કોરોનાએ હદ વટાવી, શાળા-કોલેજોમાં સઘન ટેસ્ટીંગ

8

વધુ ત્રણ વિદ્યાર્થીઓ અને એક પ્રિન્સીપાલને કોરોના, વાલીઓમાં ભારે ફફડાટ, વહીવટી તંત્ર દ્વારા દોડધામ
સુરતમાં પ્રાથમિક અને માધ્યમીક શાળાઓમાં એકાએક કોરોના સંક્રમણ બેકાબુ બની રહયું હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે પગલા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગઇકાલથી મહાનગરની 8 ઝોનમાં આવેલી 54 જેટલી શાળા-કોલેજોમાં વ્યાપક અને સઘન ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન લીંબાયતમાં વધુ બે વિદ્યાર્થીઓ અને રાંદેરની શાળામાં એક વિદ્યાર્થી કોરોના સંક્રમીત થઇ ગયાનું જાહેર થતા સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શાળા-કોલેજોમાં કુલ 3249 વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમીત માલુમ પડયા હતા. રાંદેરમાં એક શાળાના આચાર્યને કોરોના થઇ ગયો છે. લીંબાયતમાં ધો.9ના બે વિદ્યાર્થીઓને કોરોના લાગુ થઇ જતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

સુરતમાં ચૂંટણીઓ બાદ કોરોના સંક્રમણમાં બેફામ વધારો થઇ રહયો છે. સાથેસાથે નાના શહેરોમાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહયો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં નવા 105 કેસો નોંધાયા હતા. અત્યારે એક્ટિવ કેસો 569 જેટલા છે. સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાએ 1137 લોકોનો ભોગ લીધો છે. વડોદરામાં એક શાળા બંધ કરી દેવામાં આવી છે.(2.2)