રાજકિયા સંન્યાસ કે પછી અન્ય પાર્ટીમાં જોડાય તેવા અટકળો તેજ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ વેર વિખેર થતી નજરે પડી રહી છે. સુરત કોંગ્રેસના માજી કોર્પોરેટર અને પ્રદેશ મંત્રી દિનેશ કાછડીયા એ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. કાછડીયા એ રાજીનામુ આપતા તેઓ સન્યાસ લેશે કે અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે તે અંગે અનેક અટકળો થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં ૧૨૦ માંથી કોંગ્રેસની એક પણ બેઠક આવી નથી. કોંગ્રેસના આ નાલેશી ભર્યા પ્રદર્શન બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચેની ખાઈ વધુ મોટી થઇ રહી છે. કોંગ્રેસ પક્ષે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા ૨૦ જેટલા કાર્યકર નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યાર પછી આજે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના માજી કોર્પોરેટર દિનેશ કાછડીયા એ આજે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
કાછડીયા કોર્પોરેટર હોવા ઉપરાંત પ્રદેશના મંત્રી પણ છે. ચૂંટણી પરિણામ બાદ અચાનક કાછડીયા એ રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક શરૂ થઇ ગયા છે. દિનેશ કાછડીયા રાજકીય સંન્યાસ લેશે કે અન્ય કોઈ પક્ષમાં જોડાશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.
આ ઉપરાંત અનેક મોટા નેતાઓ પણ રાજીનામું આપશે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટોની વહેંચણીમાં કોંગ્રેસના નેતાઓએ કરેલી ભાગબતાઈને કારણે કોંગ્રેસ અને પાંસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસે પાસના કાર્યકરોની ટીકીટ કાપતા પાટીદારોએ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને આમ આદમી પાર્ટીને સાથ આપ્યો હતો. જેના કારણે ૨૦૧૫માં કોંગ્રેસનો ગઢ બનેલી પાટીદાર બહુમતીવાળા વિસ્તાર માં કોંગ્રેસની એક પણ બેઠક આવી ન હતી.