સિહોરમાં બળી ગયેલી મગફળીના પાથરા લઇ ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા

75

ખેડૂતોને વળતર આપોના સુત્રોચ્ચાર કર્યા

સિહોર તાલુકામાં આ વર્ષે ભારે વરસાદને કારણે મગફળી અને કપાસનો પાક બળી ગયો છે. મગફળીનો પાક તૈયાર થવાની તૈયારી પર જ હતો અને ભારે વરસાદથી ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ છે. આજે સિહોર મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો બળી ગયેલી મગફળીના પાથરા લઈને આવ્યા હતા. તેમજ જય જવાન જય કિસાન, ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને વળતર આપોના સુત્રોચ્ચાર કર્યા હતા.

સિહોર પંથકમાં ભારે વરસાદના પગલે ખેતરોમાં ઉભા મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં બે ઈંચ કે તેના કરતા વધુ વરસાદ પડે તો તેને કમોસમી ગણાશે અને વળતર ચૂકવવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ સિહોર પંથકમાં ગત ૧૮ ઓકટોબરના રોજ ૯૨ મિમિ વરસાદ વરસ્યો હતો. ૪૮ કલાકમાં ૪ થી ૬ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેતરોમાં મગફળી, કપાસ સહિતના પાકનેનુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવા છતાં સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા વળતર માટે સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી નથી. આથી ખેડૂતોમાં નારાજગી અને રોષ જોવા મળી રહૃાો છે. આજે ખેડૂતો એકઠા થઈને વરસાદમાં નિષ્ફળ ગયેલી મગફળીના પાક સાથે સિહોર મામલતદાર કચેરી ખાતે આવીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે મુજબ બે ઈંચ કે તે કરતાં વધુને કમોસમી વરસાદ ગણીને ચાર દિવસમાં વાડી ખેતરોમાં સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરવામાં છે.

Previous articleયુવકે જાનથી મારી નાંખવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચ્યો
Next articleસીંગતેલના ભાવમાં ભડકો: ડબ્બે ૩૦ રૂપિયાનો વધારો થયો