સામૂહિક આપઘાત કેસ: ઠગાઈ કરનાર ૮ જ્યોતિષીને શોધવા પોલીસના રાજસ્થાનમાં દરોડા

7

વડોદરા શહેરની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં સોની પરિવાર સાથે ૩૨ લાખની છેતપીંડી કરનારા તમામ જયોતિષીઓનું મૂળ વતન રાજસ્થાન હોવાનું પોલીસને જાણવા મળતાં પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી અને ૮ જ્યોતિષીને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પોલીસ રાજસ્થાન પહોંચી હોવાની જાણ થતાં જ ફરાર જયોતિષીઓના હોશકોશ ઊડી ગયા હતા. પોલીસે આશા વ્યકત કરી હતી કે એક-બે દિવસમાં પોલીસને મોટી સફળતા મળી જશે. ગત ૩ માર્ચે બપોરે વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની અને તેમના પરિવારના ૫ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં નરેન્દ્ર સોની, પૌત્ર પાર્થ અને પુત્રી રિયાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, ત્યાર બાદ પુત્ર ભાવિન સોની અને તેમનાં માતા દીપ્તિબેનનાં પણ સારવાર દરમિયાન મોત થતાં મૃત્યું આંક ૫ પર પહોંચ્યો હતો.

ભાવિનની પત્ની ઉર્વીની હાલ સારવાર ચાલી રહેલી છે, તે વેન્ટિલેટર પર છે. બીજી તરફ, આ મામલે ભાવિન સોનીએ પોલીસમાં પોતાના પિતાને ૪૫ લાખનું દેવું થયા બાદ અમદાવાદ અને વડોદરાના ૯ જયોતિષીએ વિવિધ લાલચ આપીને ૩૨ લાખ ઉપરાંતની ઠગાઇ કરી હોવાનું જણાવી પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. સમા પોલીસે વડોદરા અને અમદાવાદના હેમંત જોષી(રહે-ગોત્રી કેનાલ,વડોદરા), સ્વરાજ જ્યોતિષી, પ્રહલાદ, દિનેશ, સમીર જોષી, સાહિલ વ્હોરા, વિજય જોષી, અલ્કેશ સહિતના જયોતિષીઓની સામે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે, પરંતુ તેમનો કોઈ જ પત્તો મળી શકયો ન હતો.

પોલીસે તેમના મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરતાં તમામ જયોતિષીઓ રાજસ્થાનના હોવાનું બહાર આવતાં પોલીસની એક ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી અને આ ટીમ હાલ તપાસ કરી રહી છે. તમામ જ્યોતિષીનું વતન રાજસ્થાન હોવાથી આ કેસ બહાર આવતાં જ તમામ ભાગી જઇને રાજસ્થાનમાં છુપાયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ રાજસ્થાનમાં સતત તપાસ કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.