કોટડા સાંગાણી : કોટડાસાંગાણીના સતાપર ગામની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની શાખામાં પાછળથી દિવાલમા બાકોરૂ પાડી અજાણ્યા ઈસમે બેંકમા પ્રવેશી ચોરીનો પ્રયાસ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.ચોરીના ઈરાદે બેંકમા ઘુસેલો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. કોટડાસાંગાણી તાલુકાના છેવાડાના ગામ સતાપરમા રાત્રીના સમયે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની પાછળના ભાગેથી દિવાલમા બાકોરૂ પાડી એક ઈસમે અંદર પ્રવેશી અંદર રહેલી વસ્તુઓ તેમજ ટેબલ વેર વિખેર કરી ચોરીનો પ્રયાસ કરતા નાના એવા ગામમા ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે અંદર પ્રવેશ્યા બાદ કોઈ કારણોસર સિક્યુરીટી માટે રહેલી સાયરન વાગતા ચોરી કરવા આવેલો ઈસમ રફુચક્કર થયો હતો.જે અંગે ગોંડલ રહેતા બેંકના મેનેજર ધવલ રમેશ રૈયાણીએ કોટડાસાંગાણી પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Home GUJARAT