વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે ફરજ બજાવી રહેલા છાણી પોલીસ મથકના જવાનની બાઇકને કાર ચાલકે ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારની ટક્કરથી પટકાયેલા પોલીસ જવાનને હાથ-પગ સહિત શરીરમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પોલીસ જવાનને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
હાલમાં માસ્ક સહિત ગુનાહિત પ્રવૃત્તીઓ અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવી રહૃાું છે, ત્યારે ૧૫ ડિસેમ્બરના રોજ છાણી પોલીસ મથકમાં ફરજ બજાવતા ભગીરથસિંહ ભરતસિંહ સહિત પોલીસ જવાનો છાણી બ્રિજ પાસે ફરજ બજાવી રહૃાા હતા અને પસાર થતાં વાહનોનું ચેકિંગ કરી રહૃાા હતા. દરમિયાન એક કાર ચાલક પસાર થઇ રહૃાો હતો. પોલીસે કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, કાર ચાલકે કાર ઉભી રાખી ન હતી. અને કાર હંકારી મૂકી હતી. જેથી પોલીસ જવાનોને કારમાં કંઇ હોવાની શંકા ગઇ હતી. આથી ફરજ ઉપર પોલીસ જવાનોએ પોતાની બાઇક દ્વારા કારનો પીછો કર્યો હતો.
કાર ચાલકની બાજુમાં બેઠેલા બીજા વ્યક્તિએ કાર ચાલકને કાર પોલીસ જવાન ઉપર ચઢાવી દેવાની સૂચના આપતા કાર ચાલકે પોલીસ જવાનો ઉપર કાર ચઢાવી દેવા કાર વધુ સ્પીડથી હંકારી હતી અને પીછો કરી રહેલા પોલીસ જવાન ભગીરથસિંહ ભરતસિંહની બાઇકને ટક્કર મારીને ફરાર થઇ ગયા હતા. પોલીસ જવાન ભગીરથસિંહની બાઇકને ટક્કર વાગતા જ તેઓ રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં તેઓને હાથ-પગ સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા પહોંચી હતી.