વ્હોટ્સએપ વિડીયો કોલમાં ‘ખરાબ કામ કરાવ્યા બાદ વાયરલ કરવા યુવતીની ધમકી

5

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બનાવ્યા બાદ ડિંડોલીના ૨૦ વર્ષીય વિદ્યાર્થીને પણ ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બનાવી દિલ્હીની યુવતીએ રૂ.૭૨૦૦ ની માંગણી કર્યાની ફરિયાદ ડિંડોલી પોલીસે અરજીના આધારે દાખલ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો અને વેસુની કોલેજમાં ટી.વાય.બીબીએમાં અભ્યાસ કરતા ૨૦ વર્ષીય સંદીપ ( નામ બદલ્યું છે ) ને ગત ૨૬ ફેબ્રુઆરીએ ફેસબુકના મેસેન્જર પર નેહા શર્મા નામની યુવતીએ હાઈનો મેસેજ કર્યો હતો. સંદીપે તેને જવાબ આપતા યુવતીએ પોતે દિલ્હીમાં રહે છે કહી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા સંદીપે સ્વીકારી તે સાથે જ નેહાએ મેસેન્જરમાં વ્હોટ્સએપ નંબર માંગી પોતાનો પણ નંબર આપી ચેટીંગ કરવા માંડયું હતું. થોડીવારમાં નેહાએ વિડીયો કોલ કરી સંદીપને નગ્ન થવાનું કહેતા સંદીપે વિડીયો કોલમા પોતાના તમામ કપડાં ઉતારી દીધા હતા.

તો નેહાએ પણ વિડીયો કોલ દરમિયાન પોતાના તમામ કપડાં ઉતારી દીધા હતા. નેહાએ સંદીપની જાણ બહાર વિડીયો કોલ રેકોર્ડ કરી લીધો હતો. બીજા દિવસે નેહાએ સંદીપને વ્હોટ્સએપ ઉપર મેસેજ કર્યો હતો કે તારા ફેસબુકમાં જેટલા મિત્રો છે તેમને તારો અને મારો નગ્ન વિડીયો શેર કરીશ, તું રૂ.૭૨૦૦ મોકલ, નહીં મોકલે તો તારા ભાઈને મેં વિડીયો મોકલ્યો છે તે બધાને શેર કરીશ. સંદીપે તેના ભાઈને પૂછતાં તેને નેહાએ તેમનો નગ્ન વિડીયો મોકલ્યો હતો. ગભરાયેલા બંનેએ તે સમયે વિડીયો ડીલીટ કરી દીધો હતો.

બાદમાં આ અંગે પોલીસમાં અરજી કરી હતી. અરજીના આધારે ડિંડોલી પોલીસે ગતરોજ દિલ્હીની નેહા શર્મા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવાનને ફેસબુક ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ગણતરીના સમયમાં જ વ્હોટ્સએપ ચેટીંગ બાદ સામેથી એક યુવતીએ વિડીયો કોલ કરી નગ્ન થવા કહૃાું હતું. ત્યાર બાદ તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સહિત ત્રણ વ્યક્તિએ યુવાન પાસેથી રૂ.૩૩,૦૫૦ પડાવ્યા હતા.