વાપી કેમિકલ અને પ્લાસ્ટિકનાં ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર મેળવાયો કાબૂ

59

વાપી નજીક આવેલા બલીઠા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ફરી એક વખત આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. બલીઠા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે  વહેલી સવારે આગ લાગી હતી. શરૂઆતમાં એક ગોડાઉનમાં લાગેલી  આગ આજુબાજુના ગોડાઉનમાં પણ પ્રસરી હતી. આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે, નજીકમાં જ રહેણાંક વિસ્તાર પણ આવેલો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટયા હતા. સદનસીબે આ આગ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યાં નથી.આ ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કેમિકલનો ભંગારનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.  જેના કારણે ધુમાડાના ગોટાનું સામ્રાજ્ય છવાયું હતું. આથી નજીકના રહેણાંક વિસ્તારમાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વાપીના ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.

પહેલા એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસના નાના-મોટા ૮ ગોડાઉનમાં પ્રસરી ગઇ હતી. આથી વધારે ફાયર ફાયટરોની જરૂર જણાતા વાપી ઉપરાંત સરીગામ સહિત અન્ય પ્રાઈવેટ કંપનીઓના ફાયર ફાયટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. આમ આ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ૮થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઇને ઇજા કે જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.