વડોદરામાં સસ્તા અનાજની દુકાનના કમ્પ્યૂટર ઓપરેટરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

36

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા આસ્થા એવન્યુની પાછળ જય અંબે પાર્કમાં રહેતા યુવાને અગમ્ય કારણસર ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. દરવાજો બંધ હોવાથી પોલીસે દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહને નીચે ઉતાર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે અને ગોરવા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોરવાના આસ્થા એવન્યુ પાછળ આવેલા મકાન નં-૪૭, જય અંબે પાર્કમાં રહેતા શાંતિલાલ ખટીક સરકારી સસ્તા અનાજની દુકાનમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. તેમનો પરિવાર બહારગામ ગયો હતો અને પોતે ઘરમાં એકલા હતા, ત્યારે શાંતિલાલે ઘરમાં અગમ્ય કારણોસર પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

પડોશીએ શાંતિલાલના ઘરનો દરવાજો ખટખટાવતાં દરવાજો ન ખોલતાં ગોરવા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દરવાજો તોડીને તપાસ કરતાં શાંતિલાલનો મૃતદેહ પંખે લટકતો હતો. આ બનાવને પગલે આસપાસના રહીશોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. બીજી બાજુ, આ અંગેની જાણ કરવામાં આવતાં ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. જોકે ફરજ પરના તબીબે તપાસ કરતાં યુવાનને મૃત જાહેર કર્યો હતો. ગોરવા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.