વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ અકસ્માતમાં ૪ લોકોના મોત

છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા શહેર-જિલ્લામાં અકસ્માતના બનેલા બનાવોમાં ૪ લોકોના મોત નીપજ્યા છે. આજે વહેલી સવારે વડોદરાના ફતેગંજ બ્રિજ પાસે ટેમ્પોની અડફેટે એક શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. આ શ્રમજીવી રોડ ક્રોસ કરી રહૃાો હતો તે દરમરિયાન અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માત થતાં જ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. વડોદરાના ફતેગંજ બ્રિજ નીચે રતિલાલ વાલજીભાઇ રોહિત(ઉં.૪૦) રહેતો અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો. આજે વહેલી સવારે ૭ વાગ્યાની આસપાસ તે ઉંઘમાંથી ઉઠીને બ્રિજ પાસે આવેલી ચાની લારી ઉપર ચા પીવા માટે જતો હતો. દરમિયાન પૂરપાટ પસાર થઇ રહેલા ટેમ્પોએ રતિલાલને અડફેટમાં લેતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બનતા જ ટેમ્પો ચાલક સ્થળ પર ટેમ્પો મૂકીને ફરાર થઇ ગયો હતો.

આ સાથે સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને આ બનાવ અંગેની જાણ ફતેગંજ પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી અને લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. ફતેગંજ પોલીસે ટેમ્પો ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. વડોદરા નજીક આવેલા વડસાડા ગામમાં રહેતા નગીનભાઇ રતિલાલ વસાવા ગામના પાટીયા પાસેથી પસાર થતાં હતા. તે દરમિયાન પસાર થઇ રહેલા અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રાજેશ રતિલાલ વસાવાએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

નેશનલ હાઇવે નં-૪૮ ઉપર હોટલ નજીક બનેલા આ બનાવમાં વરસાડા ગામના નગીનભાઇનું મોત નીપજતાં ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. રાજસ્થાનના પીપલખુંટ તાલુકાના પરથીપુરા ગામના રહેવાસી વિકાસ ભગવાનીયા મહિડા નેશનલ હાઇવે નં-૪૮ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન પસાર થઇ રહેલા અજાણ્યા વાહને અડફેટે લેતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મંગળવારે બપોરના સમયે બનેલા આ બનાવ અંગેની જાણ તેમના ભાઇ બાપુલાલ ભગવાનીયા મહિડાને થતાં તુરંત જ દોડી આવ્યા હતા. આ સાથે આ બનાવ અંગે સ્થાનિક લોકોને થતાં તુરંત જ દોડી આવ્યા હતા. અને આ બનાવ અંગેની જાણ કરજણ પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. કરજણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleલક્ષ્મી બોમ્બ: કિન્નર અખાડા મહામંડલેશ્ર્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી હવે ફિલ્મને પ્રમોટ કરશે
Next articleકોર્પોરેટર નીતાએ ૨૫ હજારની સહાયની વાત કરી બીજાના નામે લોન લેવાની કોશિશ કરી