વડોદરામાં અલગ-અલગ ૩ સ્થળોએ આઈપીએલનો સટ્ટો રમાડતા ૫ શખ્સો ઝડપાયા

39

વડોદરામાં આઈપીએલની ક્રિકેટ મેચો પર સટ્ટો રમાડતા ૫ શખ્સોને વડોદરા શહેર પોલીસે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે અને ૧.૫૪ લાખ ઉપરાંતની મત્તા કબજે કરી છે, જ્યારે પોલીસે ૫ શખ્સોને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે. સોમવારે મોડી રાત્રે વડોદરા ક્રાઈમ બ્રાંચના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે, વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી પ્રમુખસ્વામી ટાઉનશીપમાં સંજય કુકરેજા નામનો વ્યક્તિ પોતાના મકાનમાં હાલમાં ચાલી રહેલી આઈપીએલની ક્રિકેટ મેચમાં દિલ્હી કેપિટલ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહૃાો છે, જેના આધારે પોલીસે દરોડો પાડીને સંજય કુકરેજા ને ઝડપી પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે રોકડા ૧૨,૦૫૦, મોબાઇલ ફોન અને ટીવી સહિત કુલ રૂપિયા ૨૭,૦૫૦ ની મત્તા કબજે કરી હતી. જ્યારે સટ્ટો રમવા માટે આઈડી આપનાર જતીન મકવાણા તેમજ કટિંગ કરનાર ભરત ઉર્ફે રાજાને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. બીજા બનાવમાં મકરપુરા પોલીસ સ્ટેશનના જવાનો સોમા તળાવ બ્રિજ નીચે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે, એક કાળા કલરની એક્ટિવા ઉપર બે ઈસમો ઇમરાનખાન પઠાણ(રહે, મધુનગર, ગોરવા) અને સંદીપ અડિયા(રહે, શ્રીજી ડુપ્લેક્ષ, વાઘોડિયા રોડ) હાલમાં ચાલી રહેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઇ સુપરિંકગ્સ વચ્ચે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહૃાો છે, જેના આધારે પોલીસે દરોડો પાડીને બન્ને શખ્સોને ઝડપી પાડ્યા હતા અને રોકડા ૨૧૧૦ રૂપિયા, ૩૫ હજારની કિંમતના ૬ મોબાઈલ ફોન, લેપટોપ અને એક્ટિવા સહિત કુલ રૂપિયા ૬૯,૧૧૦ની મત્તા કબજે કરી હતી. જ્યારે વિનય અને ગોધરાના રાકેશ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં વડોદરા પીસીબી શાખાના પોલીસ જવાનો સયાજીગંજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સયાજીગંજ વિસ્તારના ફોનિક્સ કોમ્પલેક્ષ નીચે બે વ્યક્તિઓ હાલમાં ચાલતી આઈપીએલની ક્રિકેટ મેચમાં સટ્ટાના હિસાબો કરી રહૃાા છે અને પોતે ઓનલાઇન સટ્ટો રમાડી રહૃાા છે, જેથી પોલીસે દરોડો પાડીને અમિત રાણા અને આમિર રાઠોડ(બન્ને, રહે, શિયાબાગ મેઈન રોડ, નવાપુરા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા ૧૦,૯૦૦ રૂપિયા અને ૩ મોબાઈલ ફોન સહિત ૫૫,૯૦૦ની મત્તા કબજે કરી હતી. તેમજ આ સટ્ટો રમાડનાર રાહુલ ગાંધી નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.