વડોદરાના વાસણા તળાવમાંથી રહસ્યમય રીતે ગુમ યુવાનનો મૃતદેહ મળતા ચકચાર

10

વડોદરા શહેરના વાસણા શ્રી કૃષ્ણ વિદ્યાલય પાસે આવેલા તળાવમાં બે દિવસ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલા યુવાનનો મૃતદેહ સવારે મળી આવ્યો હતો. તો બીજી બાજુ વડોદરા નજીક આવેલ મહીસાગર ઉપરના ઉમેટા બ્રિજ પરથી એક વ્યક્તિએ મહીસાગરમાં પડતું મૂક્યું હતું. આ સાથે ફાજલપુર વાસદ બ્રીજ ઉપરથી પણ એક વ્યક્તિએ મહીસાગર નદીમાં પડતું મૂક્યું હતું. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા મહીસાગર નદીમાં લાપતા બંને વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણ વિદ્યાલય પાસે આવેલા વાસણા ગામના તળાવમાં બે દિવસ પૂર્વે વાસણા ગામ વિસ્તારના રહેવાસી વિજય જેસીંગભાઇ સોલંકી ડૂબી ગયો હતો.

આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે આ રહસ્યમય મોત અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દરમિયાન આજે સવારે વડોદરા નજીક આવેલ સિંધરોટ પાસે ઉમેટા બ્રિજ ઉપરથી એક વ્યક્તિએ મહીસાગર નદીમાં કોઈક કારણસર પડતું મૂક્યું હોવાની જાણ ફાયરબ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમ રબર બોટ સાથે સ્થળ પર દોડી ગઇ હતી અને મહી નદીમાં લાપતા થયેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત ફાજલપુર વાસદ બ્રિજ ઉપરથી પણ એક વ્યક્તિએ મહીસાગર નદીમાં પડતું મૂક્યું હોવાનો મેસેજ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને મહી નદીમાં લાપતા થયેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી.