રક્તદાન કરી ખરા અર્થમાં પ્રેમના પ્રતીક બનવા યુવાનોને આહ્વાન
છેલ્લા ચાર દાયકાથી કાર્યરત લાઈફ બ્લડ સેન્ટર દ્વારા આ રવિવારે પ્રેમનો તહેવાર રક્તદાન કરીને ઉજવવા રાજકોટના યુવાધનને લાઈફ બ્લડ સેન્ટરના જોઈન્ટ એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 14મી ફેબ્રુઆરીએ દેશભરમાં પ્રેમનો તહેવાર ઉજવાય છે, લોકો જુદી જુદી રીતે પ્રેમની અભિવ્યક્તી કરતા હોય છે ત્યારે આ કોરોના મહામારી વચ્ચે રક્તની સખત ખેંચ ઊભી થતી હોવાથી રક્તદાન કરીને પ્રેમના પ્રતિક બનવા સાથે મહાદાનનો નિજાનંદ મેળવી શકો છો. યુવા વર્ગમાં આ તહેવારનો અનેરો મહિમા હોવાથી આ દિવસે રક્તદાન કરીને કોઈકનું જીવન બચાવવામાં નિમિત્ત બનવા અપીલ કરી છે. આપના 1 યુનિટ રક્તથી 3 માનવ જિંદગીઓ બચાવી શકાય છે. રક્તદાન આપણા હૃદય માટે સૌથી ફાયદાકારક છે. આજનો યુવાન રક્તદાન કરીને લોક સેવા કરી રહ્યો છે ત્યારે આવો એક યુવાન બીજા દસ યુવાનને પ્રેરણા આપીને રક્તદાન મહાદાનનો સંકલ્પ બાબતે કટિબદ્ધ થાય તે જરૂરી છે તેમ લાઈફ બ્લડ સેન્ટરના મેડિકલ ડિરેક્ટરે જણાવેલ છે. રક્તદાન માટે તથા યુવાવર્ગના રક્તદાન કેમ્પ યોજવા માટે લાઈફ બ્લડ સેન્ટર, 24 વિજય પ્લોટ, જે. કે. હોન્ડા શો રૂમની પાછળ, ગોંડલ રોડ પર સંપર્ક કરવા જણાવાયું છે. વધુ વિગત માટે ફોન નંબર 0281 2234242 નો સંપર્ક કરવા જણાવાયું છે.