રાપરમાં ધારાશાસ્ત્રીની કરપીણ હત્યા નિપજાવવાના બનાવમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી લીધી હતી. ત્યારે બાવીસ દિવસથી ચાલતી તપાસમાં આજે પોલીસે નવો ફણગો ફોડ્યો છે અને મૃતક દેવજીભાઈ પોતાના ફેસબુક એકાઉન્ટમાં બ્રાહ્મણ સમાજ વિશે આપત્તિજનક પોસ્ટ મૂકતા હોવાથી આ બાબતનું મનદૃુ:ખ રાખીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાનું સપાટી પર આવતાં ભારે ચર્ચા જાગી છે.
રાપરમાં ગઈ તારીખ ૨૫-૯ના સાંજના અરસામાં વકીલ દેવજીભાઈ વાછિયાભાઈ મહેશ્ર્વરને આરોપી ભરત જયંતીલાલ રાવલે હત્યા નીપજાવી નાખી હતી. ચર્ચાસ્પદ બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ સીટીની રચના કરવામાં આવી હતી. જેમાં ભરત તથા તેને નાસી જવામાં મદદગારી કરનાર મહેશ ભોજા પટેલ, પ્રકાશ ભીમજી બેરા (પટેલ) અને રાજેશ ઉર્ફે વીરમ લખમણ દેવડા (પટેલ)ની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે કસ્ટડીમાં જેલ હવાલે કરી દૃેવામાં આવ્યા હતા.
એસઆઈટી દ્વાર ગુનાની ચલાવાતી તપાસ દરમિયાન મૃતક વકીલ દૃેવજીભાઈ પોતાના ફેસબુક એકાઉન્ટ પર બ્રાહ્મણ સમાજ વિશે આપત્તિજનક પોસ્ટ મૂકતા હોવાથી તે બાબતે મુખ્ય આરોપી ભરત રાવલે દેવજીભાઈને ફોન કરતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સોશિયલ મીડિયામાં બ્રાહ્મણ જ્ઞાતિ વિરુદ્ધ પોસ્ટ મુકવાનું મનદૃુ:ખ રાખીને આરોપી ભરતે વકીલ દેવજીભાઈની હત્યા કરી દીધી હોવાનો ઘટસ્ફોટ પોલીસે કર્યો હતો.