રાજયના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યુ છે કે, રાજય સરકાર દ્વારા અમલી મા અમૃતમ કાર્ડની યોજના બંધ નહી થાય. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા “મા અમૃતમ કાર્ડ” બંધ થાય છે એવા મેસેજ વાયરલ થયાં છે એ મેસેજ તદ્દન સત્યથી વેગળાં છે.
ગરીબ અને મધ્યમ પરિવારના નાગરિકોને ગંભીર બીમારી સામે આર્થિક રીતે મદદરૂપ થવા માટે શરૂ કરાયેલી રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી એવી “મા અમૃતમ કાર્ડ”ની યોજના ને રાજયવ્યાપી વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહૃાો છે. ત્યારે આ યોજના બંધ કરવામા આવનાર છે એવા ખોટા મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયાં છે. એ સમાચારો સત્યથી વેગળાં છે એટલે નાગરિકોએ આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરવાવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.
મુખ્યમંત્રી અમૃતમમા -મા વાત્સલ્ય યોજનાના સોટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી આ યોજનાના લાભાર્થીઓને આજ રોજ માટે નાની-મોટી મુશ્કેલી કે વિલંબ થઇ શકે છે. પરંતુ તમામ હોસ્પિટલોને કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ છે. તેમજ મંજૂરી મળવામાં કોઇ પણ મુશ્કેલી કે વિલંબના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે. જેથી આ અંગે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.