રાજકોટ PDU કોલેજના 150 જેટલા ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા

48

સ્ટાઈપેન્ડ વધારવા અને કોવિડ ડ્યુટી બદલ ઈન્સેન્ટિવ આપવા માંગ

  1. રાજકોટ મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબોની હડતાળનો આજે બીજો દિવસ છે. નર્સિંગ સ્ટાફ કરતાં પણ ડોક્ટરોને ઓછું વેતન મળે છે. તબીબોને સ્ટાઈપેન્ડની સામાન્ય રકમ ચુકવવામાં આવતી હોવાથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ઈન્ટર્ન તબીબોનું કહેવું છે કે જ્યાં સુધી અમારી માંગ પુરી નહીં થાય ત્યા સુધી આંદોલન ચાલુ રહેશે. મહત્વનું છે કે રાજકોટ PDU કોલેજના 150 જેટલા ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. ઈન્ટર્ન તબીબોએ આજે બેનરો સાથે દેખાવો અને સુત્રોચ્ચાર કર્યા હતા. ડોક્ટર પંડિતના જણાવ્યા અનુસાર આજે અમારી હડતાળનો બીજો દિવસ છે. કાલે જે નાયબ મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં તેણે જ મુદ્દાઓ ઉઠાવ્યાં એ મુદ્દે હું સ્પષ્ટીકરણ કરવા માગું છું કે તેનો સૌથી પહેલો મુદ્દો એવો હતો કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ અને અહીંયાથી જે ગ્રેજ્યુએટ થયા છે. તેની સરખામણી કરી છે. જે સરખામણી સાવ પાયાવિહોણી છે. એ લોકો MCI રેક્ગનાઈઝ કોલેજમાંથી અભ્યાસ કર્યો નથી. જ્યારે અમે MCI રેક્ગનાઈઝ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. એટલે MCIની ફી 1 લાખ રૂપિયા આપવી પડે છે. એ લોકો માટે કોઈ બોન્ડ પણ હોતો નથી. જ્યારે અમારા માટે 3 વર્ષનો 5 લાખ, 1 વર્ષનો 20 લાખ એવી રીતે બોન્ડ હોય છે. જેથી અમે સ્ટાઈપેન્ડ વધારવા માંગ કરીએ છીએ.

વધુમાં જણાવ્યું હતું કે બધા રાજ્યોમાં કોવિડ વોરિયર્સને ઈન્સેન્ટીવ આપવામાં આવ્યું છે. આ સાથે જ તે લોકોને સ્ટાઈપેન્ડ પણ વધારે આપવામાં આવે છે. આજનો અમારો કાર્યક્રમ એ છે કે અમે અત્યારે બ્લડ કેમ્પનું આયોજન કર્યુ છે. અમે સરકારને બતાવવા માંગીએ છીએ કે અમે પણ જવાબદારીઓ સંભાળીએ છીએ. અમે અમારી ફરજ ભૂલ્યા નથી. અમે ક્યારેય દર્દીઓ માટેની ફરજ ભૂલતા નથી. એટલે સરકાર જો આવો રિસ્પોન્સ આપે છે તો અમારી પાસે આ વિરોધ કરવાનું છેલ્લુ પગલું હતું. જેથી અમે હડતાળ પર ઉતર્યા છીએ. અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાળ ચાલુ રાખીશું. રાજ્યમાં ઈન્ટર્નને મહિને 13000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. જે અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછું છે. બીજી તરફ અમદાવાદની કોર્પોરેશનની મેડિકલ કોલેજમાં આ સ્ટાઈપેન્ડ ઉપરાંત કોરોનાની ડ્યૂટી માટે માનદ વેતન પણ અપાય છે. જે અન્ય સરકારી કોલેજમાં અપાતું નથી. બીજી તરફ એવો પણ નિર્ણય લેવાયો છે કે MBBSના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને કોવિડની સેવા બદલ 15000 માનદ વેતન અપાશે. જ્યારે ઈન્ટર્ન તબીબો કે જેઓએ MBBS પૂર્ણ કરી નાખ્યું છે તેમને 13000 મળે છે. જેથી આ સ્ટાઈપેન્ડ 20,000 કરવા માંગ કરાઈ છે. હાલ ઈન્ટર્ન તબીબો કોવિડ ઉપરાંત બીજી સંલગ્ન સારવારમાં ફરજ નિભાવી રહ્યા છે.