ફૂલમાંથી અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ શરૂ કરશે
રાજકોટની માનસિક રીતે અસ્થિર ૧૫૦ બહેનો કે જે એકબીજાને ઓળખતા પણ નથી હવે તેઓનો એક અલગ પરિવાર બનવા જઈ રહૃાો છે. જેમાં ૧૮ વર્ષની દીકરીથી લઇને ૭૦ વર્ષના દાદી પરિવારના સભ્યો હશે. આ તમામ સભ્યોનું એક ગૃહ હશે. એટલું જ નહીં તેઓ અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ શરૂ કરશે. આ પ્રોજેક્ટ લાવનાર મા રમાબાઈ ઉત્કર્ષ મહિલા સંઘના ફાઉન્ડર પુષ્પાબેન બોખાણી જણાવે છે કે, કોઠારિયા ગામ ખાતે આખો એક આશ્રમ બનાવવામાં આવશે. જેમાં તમામ પ્રકારની સુવિધા હશે. હાલ બહેનોના રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે. આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા જોવા મળ્યું કે, જે પરિવારમાં માનસિક રીતે અસ્થિર સભ્યો હોય તેમને અને તેમના પરિવારને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
કેટલાક કિસ્સામાં તો આવા સભ્યોને હડધૂત થતા પણ જોયા છે. જેને કારણે આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મંદિરમાં જે ભગવાનને ફૂલ ચડે છે તે એકત્રિત કરવામાં આવશે અને તેમાંથી અગરબત્તી બનાવવામાં આવશે. દરેક સભ્યો અલગ અલગ ઘરમાંથી આવતા હોય તેઓ એકબીજા સાથે મેચ થઈ જાય અને એક પરિવારની લાગણી આવે તે માટે શરૂઆતમાં એકબીજાથી પરિચિત કરાવવામાં આવશે.
તેઓનું કાઉન્સેિંલગ કરાશે. આ સિવાય તેઓ સારી રીતે કામની જવાબદારી સમજી શકે તે માટે ૧૦-૧૦ સભ્યોનું એક ગ્રૂપ બનાવવામાં આવશે. જે સારી રીતે કામગીરી કરી શકશે તેઓને લીડર બનાવવામાં આવશે. જે લીડર બનશે તેઓને તમામ સભ્યોની જવાબદારી સોંપવામાં આવશે. તેમજ દરેક સભ્યોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે. આ સિવાય સમાજમાં કેવી રીતે રહેવાય તેની તાલીમ આપવામાં આવશે. હાલ ૭૦ માનસિક રીતે અસ્થિર લોકોનું રજિસ્ટ્રેશન થયું છે. આ પહેલા તમામને તાલીમ અપાશે.