રાજકોટમાં કોરોનાના ૪૧ કેસ પોઝિટિવ અને ૧૨ના મોત થતા લોકોમાં વધી ચિંતા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહૃાો છે. રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૨ દર્દીના મોત થયા છે. રાજકોટમાં બપોર સુધીમાં ૪૧ કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૬૩૪૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી ૯૮૭ દર્દી સારવાર હેઠળ છે. બીજી તરફ નવા કેસની સામે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધવા લાગતા સિવિલ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા વધી છે, તેમજ સમરસ હોસ્ટેલમાં પણ બેડ ખાલી છે. રાજકોટમાં મૃત્યુદર ૧.૫ ટકા જેટલો નીચો ગયો છે. રાહુલ ગુપ્તા જણાવે છે કે ‘હાલની સ્થિતિ રાજકોટ સિવિલ હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રકચર કોઇપણ ખાનગી હોસ્પિટલ કરતા શ્રેષ્ઠ છે.

તબીબો અને સ્ટાફ જ સાચી મહેનત કરી રહૃાા છે તેમને મેડિકલ એડવાઈઝ અમે ન આપી શકીએ પણ તેમને ટેકો જરૂર આપીએ છીએ. આ માટે જ નક્કી કર્યું છે કે, દરરોજ સવારે ૨ કલાક અને સાંજે ૨ કલાક સિવિલ હોસ્પિટલ જ રહેવું અને મેડિસિન વિભાગના ડોક્ટરને મળીએ છીએ. એચઓડી, સુપરિન્ટેન્ડેન્ટ બધા સાથે ચર્ચા કરીએ છીએ. તેમનું મોરલ વધારીએ છીએ. ક્રિટિકલ દર્દીઓની સંખ્યા વધતા ખાનગી હોસ્પિટલના નિષ્ણાત તબીબોની પણ એક ટીમ બનાવેલી છે જે પણ સિવિલમાં આવે છે. આ બધી બાબતોને કારણે રિકવરી રેટ ૫૩ ટકાથી વધી ૮૪ ટકા સુધી પહોંચી ગયો છે અને ડેથ રેટ બપોરની સ્થિતિએ ૧.૫ ટકાએ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ની પરિસ્થિતિના અનુસંધાને હોકર્સ ઝોનના ફેરિયાઓ તથા શાકમાર્કેટના થડાનું એપ્રિલ, મે અને જુન ત્રણ માસનું ભાડું માફ કરવામાં આવ્યું હતું.

આજે ૧ ઓક્ટોબરથી હોર્કર્સ ઝોન ફી તથા થડાના ભાડાની વસુલાત તમામ સિટી સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે કમ્પ્યુટર વિભાગ દ્વારા સીસ્ટમમાં જરૂરી અપડેશન કરવામાં આવેલ છે. હોકર્સ તથા થડા હોલ્ડર્સ દ્વારા એપ્રિલ, મે અને જુન માસમાં જો કોઈ ભાડાની રકમ ભરપાઈ કરવામાં આવેલ હશે તો આ રકમ પછીના મહિનાના ભાડામાં ગણવામાં આવશે. જે મહિનામાં ભાડાની રકમ મજરે આપવામાં આવશે તે મહિનાની ૦૦ રકમની રીસીપ્ટ પ્રિન્ટ કરી આપવામાં આવશે. હોકર્સ તથા ફેરિયાઓને સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતેથી પોતાની રીસીપ્ટ મેળવી લેવા તથા આગામી માસનું ભાડુ ભરપાઈ કરી આપવા અનુરોધ કરવામાં આવે છે.