રાજકોટમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થયેલ મતદાનની મત ગણતરી શરુ થઈ ગઈ છે, ત્યારે વિવિધ બેઠકો પર અનુક્રમે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વિજયી બનતા તેઓ ખુલ્લેઆમ ટોળે વળીને જીતની ઉજવણી કરે છે ત્યારે હાલ કોંગ્રેસનો આણંદપર બેઠક પર વિજય થતા કોંગી કાર્યકરોએ ઢોલના તાલે કાર્યકરોએ પૈસા ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જેનાથી પ્રેરાયને રાજકોટના બેડી ગામ પર ભાજપની જીત થતા કાર્યકરોએ ખુલ્લે આમ ૫૦૦-૫૦૦ની નોટ ઉડાડી જીતની ઉજવણી કરી હતી.
જીતનો જશ્ર્ન ઉજવતા ભાજપના કાર્યકરોના ટોળે ટોળા ઉમટ્યા હતા જેથી ચારે તરફ ટ્રાફિકજામ થતાં લોકો પણ પરેશાન થયા હતા. એક તરફ કોંગ્રેસના ટોળાએ ૧૦-૧૦ની નોટના બંડલ ઉડાડી જીતની ઉજવણી કરી હતી તેની સામે ભાજપના કાર્યકરોએ ૫૦૦-૫૦૦ની નોટના બંડલ ખુલ્લેઆમ ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જ્યાં વિજેતા ઉમેદવાર દ્વારા રસ્તા વચ્ચે વિજયી થવાની ખુશીમાં માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર ૫૦૦-૫૦૦ની નોટ ઉડાડવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં ભાજપના ઉમેદવારોની જીત થતાં તરત વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ રસ્તા વચ્ચે ઢોલના તાલે જુમીને વિજય સરઘસ કાઢ્યું હતું,
જેનાથી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી અને નગરજનોને પણ ટ્રાફિકની સમસ્યાને કારણે ત્રસ્ત થયા હતા. ભાજપના વિજેતા ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનોએ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં તેવા પ્રશ્ર્નો પ્રજા કરી હતી.