મંદીના કારણે આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ
રાજકોટમાં મોરબી રોડ પર આવેલા બેડી ગામના મામા સાહેબના મંદિર સામે રહેતાં કેતન મેઘજીભાઇ કિહલા (ઉં.વ.22) નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. કરૂણતા એ છે કે આ યુવકના ગત અઠવાડિયે જ લગ્ન થયા હતા. યુવકના મોતને લઈને પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
પરિવારે આક્ષેપ કર્યો છે કે, કેતને મંદીના કારણે આપઘાતનું પગલું ભર્યુ છે. મળતી માહિતી મુજબ બેડીમાં રહેતાં કેતન કિહલાએ સાંજે ઝેરી દવા પી લેતાં કુવાડવા ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
આપઘાત કરનાર કેતન માતા-પિતાનો એક જ પુત્ર હતો અને લાદીના કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા મેઘજીભાઇ ચાનો થડો ચલાવે છે. યુવકના લગ્ન હજુ ગત 8 તારીખે રાજકોટની કુંદન સાથે થયા હતાં. જે આંગણે અઠવાડિયા પહેલા જેના લગ્નના ઢોલ વાગ્યા હતાં. એ દિકરાની આજે અર્થી ઉઠતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. કામધંધામાં મંદી હોવાથી આ પગલુ ભર્યાનું સ્વજનોએ પ્રાથમિક તપાસમાં કહ્યું હતું.