રસીકરણ માટે ભાજપની રાજ્યવ્યાપી લોક ઝુંબેશ

12

તમામ સાંસદો, ધારાસભ્યો, હોદ્દેદારોને ગામે-ગામ ફરી વળવા આદેશ: કમલમમાંથી ખાસ પત્ર મોકલાયો: ઘરે ઘરે જઈ લોકોને સમજાવો

ગુજરાતમાં કોરોના મહામારીએ ફરી એકવાર મોટા પાયે ઉછાળો માર્યો હોવાથી લોકોને કોવીડ રસીકરણ કરાવી લેવા માટે સમજાવવા ભાજપે રાજ્ય વ્યાપી અભિયાન શરુ કરવાની નિર્ણય લીધો છે એ મુજબ પક્ષના દરેક સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારોને પોતપોતાના વિસ્તારોમાં લોક ઝુંબેશ શરુ કરી દેવા આદેશ અપાયો છે.
આજે કમલમમાંથી એક ખાસ પત્ર મોકલવામાં આવ્યો છે અને પક્ષના તમામ નેતાઓ અને હોદ્દેદારોને કામે લાગી જવા તથા રસીકરણ માટે લોકોને સમજાવવા અને લોકોને પ્રેરવા માટે ગામે ગામ ફરી વળવાનો આદેશ આપ્યો છે. દરેકને પોતપોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર જઈ લોકોને સમજાવા અને રસીકરણ માટે તૈયાર કરવાનું કામ સોપવામાં આવ્યું છે.
રાજ્યના દરેક રસીકરણ કેન્દ્રો પર ભાજપ દ્વારા હેલ્પડેસ્ક ઉભું કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોને રસીકરણ માટે લાવવા લઇ જવાની ભાજપ તરફથી સુવિધાઓ ગોઠવવામાં આવશે. રાજ્યમાં રસીકરણની કામગીરી છેલ્લા થોડા સમયથી ધીમી પડી જવા પામી છે. લોકોને જાણે કોરોનાનો ડર જ રહ્યો ન હોય એ રીતે લોકો રસીકરણ માટે ધારી સંખ્યામાં આગળ આવી રહ્યા નથી એટલે ભાજપે અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે.