વિશ્ર્વમાં બીજા નંબરે આવતા મોરબીના સિરામીક ઉદ્યોગને વધુ એક ફટકો પડયો છે. કારણ કે, તાઇવાને હાલમાં જ ભારતના માલ ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટી નાખવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. મોરબીમાંથી મોટા પ્રમાણમાં સિરામિકનો માલ તાઇવાનમાં નિકાસ કરાતો હોવાથી સિરામિક ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તાઇવાન સીરામીકનો મોટો આયાતકાર દેશ છે. ખૂબ મોટા પાયે તાઇવાનમાં સિરામિક પ્રોડક્ટ્સની આયાત કરવામાં આવે છે.
ખાસ કરીને વિટ્રીફાઈડ ટાઇલ્સ મોરબીથી ખૂબ મોટા પ્રમાણમાં તાઇવાનમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. આ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા જણાવે છે કે, હાલમાં જ તાઇવાને વિશ્ર્વના ૪ દેશોમાંથી આયાત થતી ટાઇલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને ભારતનો સમાવેશ થાય છે. મોરબીમાંથી દર મહિને આશરે ૪૦૦થી ૫૦૦ કન્ટેનર સિરામીક પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ થાય છે.
જે પૈકી તાઇવાનમાં પણ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થતું હોવાનું જાણવા મળે છે. ગલ્ફના દેશો બાદ તાઈવાન પણ ભારતની પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવશે તો મોરબી સિરામિક ઉધોગને મુસીબતનો સમાનો કરવો પડી રહૃાો છે. જો કે સરકાર દ્વારા તાઈવાન સાથે વાટાધાટો શરુ કરીને સિરામિકના હિતમાં યોગ્ય નિર્ણય આવે તે માટે પ્રયાસો શરુ કર્યા છે.