મોરબીમાં કોંગ્રેસે ડુંગળી-બટેટાની લારી કાઢી મોંઘવારીની યાદ અપાવી

45

પેટાચૂંટણીમાં નવતર પ્રચાર

મોરબી વિધાનસભાની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહૃાા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ દિૃગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. મોરબી બેઠક પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. આજે મંગળવારે મોરબીમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબીના વોર્ડ નં. ૧૨ અને ૧૩ના કોંગ્રેસના ઈન્ચાર્જ રહીમ સોરા અને રણજીત મુંધવાએ તેલના ખાલી ડબ્બા અને ડુંગળી-બટેટાના લારી કાઢી લોકોને મોંઘવારીની યાદ અપાવી કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. હાલ ડુંગળી અને બટેટાનો ભાવ સફરજનના ભાવ કરતા પણ વધી ગયો છે.

આ નવતર પ્રચારમાં મોરબી કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. કોરોના મહામારીમાં કોંગ્રેસના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યાં હતા. સામાન્ય લોકો માસ્ક ન પહેરે તો તેમની પાસેથી પ્રશાસન દૃંડ ઉઘરાવે છે. જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો પ્રચાર કરવા નીકળે અને તેઓ માસ્ક વગર જોવા મળે તો પ્રશાસન તેમની સામે વામણું સાબિત થાય છે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.