રાજકીયપક્ષો ઉચ્ચક જીવે, સૌથી ઓછા મતદાનને કારણે પરિણામો પર થશે ગંભીર અસરો
મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ચિંતાનું હવામાન : ‘આપ’નું ગુજરાતમાં ખાતું ખુલશે ? 1 કરોડ 14 લાખમાંથી 66 લાખ લોકો મત આપવા ફરક્યા જ નહી, લોકશાહી માટે ચિંતાજનક સ્થિતિ
રાજકોટમાં 2015 વધુ મતદાન: એક જ દિવસે મત ગણતરીની માંગ ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ
પ્રચંડ અને જોરદાર રાજકીય પ્રચાર, સેંકડો સભાઓ રેલીઓ અને બેઠકોમાં ઢગલા બંધ વાયદાઓ અને હૈયાધારણા પછી પણ રાજકીય પક્ષોને આચકો લાગે આવું નીરસ મતદાન 6 મનપાની ચુંટણીઓમાં થવા પામ્યું છે. મતદારોની નીરસતાને પગલે રાજકીય પક્ષોમાં ચિંતાની લાગણી ઘર કરી ગઈ છે અને કોઈ પક્ષને જય-વિજયના દાવા કરવાની પણ હિંમત થઇ નથી. અનેક રાજકીય સમીકરણો ઉલટ-સુલટ થઇ જવાની ગણતરી કરવામાં આવી રહી છે. મતદારોએ ખુબ જ ઓછા પ્રમાણમાં મતો આપ્યા હોવાથી કયો પક્ષ ફાવશે અને કયો પક્ષ ફેકાય જશે તેની આગાહી કરવામાં અને અનુમાન કરવામાં અચ્છા-અચ્છા રાજકીય પંડીતોને પરસેવો વળી ગયો છે.
ગઈકાલે મંગળવારે બહુ મોટી આશાઓ સાથે રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ, સુરત અને વડોદરા મનપાની ચુંટણીઓમાં 575 બેઠકો માટે મતદારોએ મતદાન કર્યું પણ 1 કરોડ 14 લાખ જેટલા કુલ મતદારોમાંથી 66 લાખ મતદારો ઘરની બહાર નીકળ્યા જ નથી. તેના પરિણામે 2010 અને 2015 ના પ્રમાણમાં એક સુરતને બાદ કરતા તમામ 5 મનપામાં ઘણું ઓછું મતદાન નોંધાયું છે. કુલ 2276 ઉમેદવારોનું ભાવી ઊટખ માં સીલ થઇ ગયું છે.મહાપાલિકા, પાલિકા અને પંચાયતોની ચુંટણીઓની મત ગણતરી એક જ દિવસે કરવાની માંગણી કરતી કોંગ્રેસની રીટ અરજી આજે સુપ્રિમ કોર્ટે કાઢી નાખી હતી. એટલે હવે આવતીકાલે તમામ 6 મનપાની મત ગણતરી થશે જ અને પરિણામો કાલે જ જાહેર થઇ જશે. પંચાયતોની ચુંટણીઓની મત ગણતરી 2 માર્ચે થશે.
આ રીતે એક જ દિવસે મત ગણતરી કરાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. હાઇકોર્ટે અરજી ફગાવી દીધા બાદ આજે સુપ્રિમએ પણ રીટ કાઢી નાખી છે. સુપ્રીમએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ચુંટણી પંચના કાર્યક્રમ મુજબ જ ગણતરી હાથ ધરવામાં આવશે. મતદારોની નીરસતા રાજકીય પક્ષો અને ખાસ કરીને શાસક પક્ષને વધુ અસર કરી શકે આવું માનવામાં આવે છે. સામાન્ય રીતે ઓછું મતદાન થાય તો શાસક પક્ષને ફટકો પડતો હોય છે. અત્યાર સુધીનો આવો અનુભવ રહ્યો છે. પરંતુ મતદારોના મિજાજને જોતા ઊટખમાંથી આશ્ચર્યજનક પરિણામો નીકળવાની શક્યતા છે. જો આવું બને તો સતાધારી પક્ષ ભાજપ ધારણા કરતા વધુ બેઠકો ગુમાવી શકે છે અને તેનો સીધો ફાયદો કોંગ્રેસ અને થોડા ઘણા અંશે આપ ને પણ થઇ શકે એવું માનવામાં આવે છે. જો આવું બને તો પહેલીવાર ત્રીજા પક્ષનું 6 મનપામાં ખાતું ખુલ્લી શકે છે. સરવાળે ઓછા મતદાનને લીધે મુખ્ય રાજકીય પક્ષો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે અને નિરાશાનું મોજું ફરી વળ્યું છે.
રાજ્કીય નિરીક્ષકો માને છે કે, ઓછા મતદાન પાછળના અને મતદારોમાં ઉત્સાહના અભાવના ઘણા બધા કારણો ગણાવી શકાય તેમ છે. તેમના મતે એક મુખ્ય કારણ ઇંધણમાં ભાવ વધારો તથા મોંધવારી અને બેરોજગારીના મુદ્દાઓ અગ્ર સ્થાને છે. ખાસ કરીને મહિલા મતદારો સાથે વાતચીત દરમિયાન તેમનો રોષ, આક્રોશ મીડિયાને જાણવા મળ્યો હતો. રસોઈગેસના ભાવમાં આક્રરો વધારો થયો તે મુદ્દા પર મહિલાઓ ભારે રોષ ઠાલતી દેખાઈ હતી. રાજકીય પક્ષોના કોઈ વાયદા અને ચુંટણી સંકલ્પોની તેમના મન પર અસર થઇ નથી. જેના કારણે મતદાનની ટકાવારી જામનગરને બાદ કરતા ક્યાંય 50% સુધી પણ પહોંચાડી શકાય નથી. જે દર્શાવે છે કે, લોકો રાજકીય પક્ષોમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને સમ્રગ ચુંટણી પ્રક્રિયામાંથી તેમનો રસ દિવસે-દિવસે વધુને વધુ ઓછો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિ લોકશાહી તંત્ર વ્યવસ્થા માટે ખુબ જ જોખમી અને ચિંતા જનક છે.
રાજકીય પક્ષો તેમજ સતા ભોગવતા પક્ષો માટે ગંભીર આત્મનિરીક્ષણનો અવસર છે. જો લોકો મતદાન જેવી અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક પ્રક્રિયાથી વેગળા થતા જશે તો લાંબા ગાળે આપણા બંધારણીય માળખા માટે કટોકટી ભરી પરિસ્થિતિ નિર્માણ થઇ શકે છે. રાજકીય પક્ષો અને દેશના બુદ્ધિજીવી સમજદાર વર્ગના શ્રેષ્ઠીઓએ જલ્દી જાગવાની જરૂર છે.