દેશ હાલ ૧૯૭૧ના યુદ્ધના ભવ્ય વિજયની સુવર્ણ જયંતી ઊજવી રહૃાું છે, પરંતુ આ ઉજવણીમાં ભારતના લાપતા સૈનિકોના પરિવારોનું દુ:ખ ભૂલવા જેવું નથી. ૧૯૭૧ યુદ્ધમાં તો ભારતના અનેક જવાનો લાપતા બન્યા હતા, પરંતુ એ પછી પણ લાપતા થયેલા અનેક ભારતીય સૈનિકો અને અર્ધલશ્કરી જવાનો પાકિસ્તાની જેલમાં નર્ક જેવી સ્થિતિમાં જીવી રહૃાા છે. તેઓ જીવિત છે કે નહીં એની માહિતી જવાનોના પરિવાર તો ઠીક ખુદ સરકારને પણ નથી. ૨૩ વર્ષ પહેલાં કચ્છની બોર્ડર પરથી લાપતા થઈને પાકિસ્તાન પહોંચી ગયેલા લશ્કરના કપ્ટન સંજિત ભટ્ટાચાર્યજી અને એક લાન્સ નાયક રામ બહાદુર થાપાનો ૨૩ વર્ષ બાદ પણ હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. તાજેતરમાં લાપતા કેપ્ટનનાં બહેને ફરી વડાપ્રધાન મોદી સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાઇને શોધવાની વિનંતી કરતાં મામલો તાજો થયો છે.
આ મામલાની વિગત એવી છે કે વર્ષ ૧૯૯૭ની ૧૯મી એપ્રિલની રાત્રિએ નિયમિત પેટ્રોલિંગ માટે ભારતીય જવાનોની એક ટુકડી સરહદ પર નીકળી હતી. ત્યારે પિલર નં. ૧૧૬૨થી ૧૧૬૫ વચ્ચે રણમાં અચાનક પાણી વધતાં કેપ્ટન સંજિત ભટ્ટાચાર્યજી તથા લાન્સ નાયક રામ બહાદુર થાપા લાપતા બની ગયા હતા. જ્યારે અન્ય ૧૫ જવાનો પરત આવવામાં સફળ રહૃાા હતા. આ દરમિયાન કેપ્ટન સંજિત અને લાન્સ નાયક થાપાને પાકિસ્તાની માછીમારોએ બચાવી લઇ પાકિસ્તાની આર્મીને હવાલે કર્યા હતા. ત્યાર બાદ બન્ને ભારતીય સૈનિકની પૂછપરછ માટે સિંધના હૈદરાબાદ લઇ જવાયા હતા. ત્યાર બાદ આ બન્ને સૈનિકની કોઇ વિગત બહાર આવી નથી. કેપ્ટનના પરિવારે સરકારમાં અનેક વખત રજૂઆત કરી, પણ કોઇ માહિતી મળી શકી નથી.