1લી માર્ચે ગુજરાતમાં રાજયસભાની બે બેઠકોની ચૂંટણીઓ થશે
રાજકોટની વિખ્યાત મારૂતી કુરીયરના સંચાલક રામભાઇના જન્મદિને જ અનોખી ભેટ
સંઘર્ષ કરીને આગળ આવેલા મોકરીયાની પસંદગીને વ્યાપક આવકાર
ગુજરાતમાં આગામી તા.1 લી માર્ચે યોજાનારી રાજયસભાની બે ખાલી પડેલી બેઠકોની ચૂંટણીઓ માટે આજે ભાજપ દ્વારા બે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટની વિખ્યાત મારૂતી કુરીયર સર્વીસ કંપનીના સંચાલક અને શહેરના જાણીતા અગ્રણી રામભાઇ મોકરીયા તથા દિનેશભાઇ પ્રજાપતિને ભાજપે રાજયસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. મારૂતી કુરીયર વાળા રામભાઇ મોકરીયાને એમના જન્મદિવસે જ આજે અનોખી ભેટ મળી છે. બન્નેની ઉમેદવારીને ભાજપમાં વ્યાપક આવકાર આપવામાં આવ્યો છે.
કોંગ્રેસના દીગ્ગજ આગેવાન અહેમદભાઇ પટેલ અને ભાજપના પ્રખ્યાત ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજના અવસાનથી ગુજરાતમાં રાજયસભાની બે બેઠકો ખાલી થઇ હતી. આજે લાંબા મનોમથન બાદ ભાજપે બન્ને બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે. 22મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે.
રાજયસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે એમાંથી હાલ 7 બેઠકો ભાજપના ખાતામાં છે અને બાકીની બેઠકો કોંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પુરશોતોમભાઇ રૂપાલા, મનસુખ માડવીયા, નરહરી અમીન, રમીલાબેન બારા, ડો.એસ.જય શંકર અને જુગલજી ઠાકોર હાલ રાજયસભામાં સભ્ય તરીકે છે. જયારે કોંગ્રેસમાંથી શકિતસિંહ ગોહીલ, અમીબેન યાજ્ઞીક અને નારણસિંહ રાઠવા હાલ સભ્ય પદે છે.
આજે એક ખાસ મુલાકાતમાં ભાજપના ઉમેદવાર રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે, પક્ષ જે કામ સોપે એ અમે કરીશું. આજે યોગાનું યોગ એમનો 61મો જન્મદિવસ પણ છે. રામભાઇ મોકરીયા નાનપણથી સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. પોરબંદરના નાના એવા ગામમાં ખેતી કરતા બ્રાહ્મણ પરીવારમાં જન્મેલા રામભાઇના જીવનમાં અનેક ઉતાર ચડાવ આવ્યા છે. એમની મારૂતી કુરીયર સર્વીસની સફળતા પાછળ પણ એમનો અડોગ મનોબળ છે. આજે તેઓ કંપનીના ચેરમેન અને એમ.ડી. છે. આ કંપનીનું ટર્નઓવર વાર્ષી રૂ.400 કરોડ થઇ ગયું છે. જે 7 હજાર લોકોને રોજી રોટી આપે છે. આજે મારૂતી કંપની કુરીયર સેવાનો પર્યાય બની છે. ભારત સહિત વિદેશમાં પણ સેવા પુરી પાડે છે. તેમણે કહયું હતું કે, માત્ર મારી સફળતા નહીં પણ મારૂતી કંપનીમાં કામ કરનારા લોકોનું જીવન ધોરણ અને એમના બાળકોના અભ્યાસની ગુણવતા પણ સુધરી છે તેનો મને ગર્વ છે. રાજયસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. પાછા ખેચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી છે. 1લી માર્ચે વિધાનસભા સંકુલમાં સવારે 9 થી બપોરના 4 સુધી મતદાન થશે. મતગણતરી એ દિવસે સાંજે પાંચ વાગ્યે થશે.