ભરૂચ નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પર ટેમ્પો ચાલકે ટોલના કર્મીઓ પર ચપ્પુથી હૂમલો કરવાનાં સીસીટીવી ફૂટેજ વાયરલ થયાં છે. જેમાં ટેમ્પો ચાલક ટોલબુથના કર્મી સાથે ઝઘડો થતાં તેના પર ચપ્પુથી જીવલેણ હૂમલો કરવા ધસી આવ્યો હતો. જોકે ટોલબુથના કર્મી સહિત અન્ય કર્મચારીઓ પણ ત્યાં દોડી આવ્યાં હતાં. એક કર્મીએ તેના હાથમાંથી ચપ્પુ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ તમામ ખેંચતાણમાં ઉશ્કેરાયેલાં ટોલબુથના કર્મીઓએ ટેમ્પોના ચાલકને ઉપરા-છાપરી મુક્કા-તમાચા મારવાના શરૂ કરી દીધાં હતાં. બુથ પરના ૪થી વધુ કર્મીઓએ માત્ર ૩૪ જ સેકન્ડમાં ડ્રાઇવરને ધડાધડ ૨૨ તમાચા-મુક્કા મારી દીધા હતાં. ઘટનાને પગલે ટોલના કર્મીઓની ફરિયાદ બાદ ટેમ્પો ચાલક દેવસુર શાબાએ પણ ફરિયાદ આપી હતી કે, ટોલબુથના ગોવિંદ, અજય, લોકેશ સહિત અન્ય ચારેક શખ્સોએ ડબલ ટોલની માંગણી કરતાં મામલો ગરમાયો હતો.
આ ઘટનાના બીજા દિવસે જ બુથના કર્મી સાથે મારામારીની વધુ એક ઘટના બની હતી. જેમાં ટોલબુથ પર ફરજ બજાવતાં દેવાનંદ ઘાઘરે નોંધાવ્યું હતું કે, તેમની સાથે કામ કરતાં મિતલ પટેલ અને તેના મિત્ર પિંકલ પટેલ સાથે ગ્રુપની ગાડીઓ રોકી વેે-બ્રીજ પર ચઢાવવાના મુદ્દે તકરાર થઇ હતી. મામલો બિચકતાં મિત પટેલ, પિંકલ પટેલ સહિત ત્રણ જણાએ તેેને માર માર્યો હતો.