બહારગામથી ૭૦૭ કોરોના પોઝિટિવ મુસાફરો અમદાવાદ આવ્યા

42

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચાલીસ દિવસ સુધી અમદાવાદ આવતી જુદી જુદી ટ્રેનોના મુસાફરોના કરેલાં ટેસ્ટિંગમાં ૭૦૭ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જો કે તેમાં કેટલાંક મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો અમુક મુસાફરોને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જો આ ટેસ્ટિંગની કામગીરી ના કરવામાં આવી હોત અને આ કોરોના પોઝિટિવ દર્દીઓ વગર ચકાસણીએ સીધા શહેરમાં પ્રવેશ કરી લીધો હોત તો સંક્રમણના કારણે પરિસ્થિતિ વણસી હોત તેમાં બેમત નથી. આ કામગીરી પહેલાં કેટલાં મુસાફરોએ અમદાવાદ શહેરમાં પ્રવેશ કર્યો હશે તે તો માત્ર કલ્પનાનો વિષય છે. અમદાવાદ શહેરમાં નોવેલ કોરા વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે.

જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતીય મજૂરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી, જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતીય મજૂરો તથા કામદારો તથા અન્ય લોકોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. તેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી ૭મી સપ્ટેમ્બરથી હાથ ધરી હતી.

આ કામગીરીના ભાગરુપે દરરોજ કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવતી તમામ ટ્રેનોના મુસાફરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. દરરોજ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસ, મુઝફરપુર એક્સપ્રેસ તથા ગોરખપુર એક્સપ્રેસ આવતી હતી. જયારે સપ્તાહમાં એક દિવસ હાવરા એક્સપ્રેસ આવતી હતી. પરંતુ ૧૧મી ઓક્ટોબરથી હાવરા એક્સપ્રેસ પણ દરરોજ અમદાવાદ આવવા લાગી હતી. આ ચાર ટ્રેનોમાં સાતમી ઓક્ટોબરથી માંડીને ૧૬મી ઓક્ટોબર સુધી એટલે કે ચાલીસ દિવસમાં કોર્પોરેશને જાહેર કરેલાં આકડાં પ્રમાણે ૬૧,૧૯૯ મુસાફરો અમદાવાદ આવ્યા હતા. તેમાંથી ૭૦૭ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.