પ્રેમલગ્ન કરનારી પરિણીતાને તેની માતા અન્ય જગ્યાએ વેચે તે પહેલાં પતિ પાસે પહોંચી

3

રાજસ્થાનની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાના માત્ર દોઢ વર્ષમાં જ પિયર ગયા બાદ પરત નહીં ફરેલી પત્નીને પરત મેળવવા મહેસાણાના યુવાને મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી આપી હતી. જે અંગે આપેલી નોટિસને પગલે ભાગીને મહેસાણા આવેલી યુવતીએ તેની માતા અન્ય યુવાન પાસેથી પૈસા લઇ તેના બીજીવખત લગ્ન કરાવવાની વેતરણમાં હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મહેસાણાના યુવાને રાજસ્થાનની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાના દોઢ વર્ષમાં તેની સાસુએ બીમારીનો ફોન કરી પત્નીને રાજસ્થાન બોલાવી હતી.

ત્યાર બાદ અનેક ફોન કરવા છતાં યુવતીને સાસુ પરત મોકલતી ન હોઇ યુવાને મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રમાં ફરિયાદ આપી હતી. જેને આધારે કાઉન્સિલર યામિનીબેન રાઠોડ અને નિલમબેન પટેલે યુવતી સાથે હાજર થવા નોટિસ મોકલી આપી હતી. આ સંજોગોમાં એકાએક યુવતી મહેસાણા તેના પતિના ઘરે પહોંચી હતી અને તેની માતા અન્ય વ્યક્તિ પાસેથી નાણાં લઇને તેને વેચી મારવાની ફિરાકમાં હોવાનું કહેતાં યુવાન તેની પત્નીને લઇ મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચ્યો હતો.

જ્યાં યુવતીનું નિવેદન લેવાયું છે. ત્યારે જાણીને નવાઇ લાગશે કે, ૬ મહિનાનો પુત્ર મૂકીને યુવતી પિયર ગયેલી હોઇ યુવાનની ભાભી તેને સ્તનપાન કરાવી જાળવતી હતી અને બાળક માટે તે પત્નીને કોઇપણ જગ્યાએથી લઇ આવવા દોડધામ કરતો હતો.