કોંગ્રેસના નેતાઓએ એસી રૂમ અને કાર છોડી ગામોના ધુળીયા રસ્તાથી ખરડાવું પડશે
જો આવી જ રીતે સતત પછડાટો મળતી રહેશે તો વિધાનસભામાં ચૂંટણી સફળતા ભુલી જવી પડશે, ગામે ગામ, તાલુકે તાલુકે ગ્રાસ રૂટ કક્ષાએથી પક્ષને પુન: બેઠો કરવાનું અભિયાન જરૂરી
ગુજરાતને કોંગ્રેસ મુકત કરવાના સતત નારા લગાવતા રહેલા સત્તાધારી ભાજપ પક્ષને એ દિશામાં બહુ મોટી સફળતા મળી છે. તેનો કોઇ ઇન્કાર કરી શકાય તેમ નથી. કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં ઉપરાં ઉપર આંચકા અને ફટકા સહન કરી રહી છે. જેના કારણે કોંગ્રેસ માટે લોક સંપર્કનો તાર બીલકુલ તુટી પડયો હોય એવી સ્થિતિ ઉભી થવા પામી છે. રાજકીય રીતે અનુભવી સુત્રો કહી રહયા છે કે, લોક સંપર્કના તુટી ગયેલા તારને ફરી જીવંત બનાવવા માટે આગામી 5 વર્ષ દરમ્યાન કોંગ્રેસે એકડે એકથી વ્યાયામ શરૂ કરવો પડશે. જો ચૂંટણીના મેદાનમાં આવીને આવી પરિસ્થિતિ રહેશે તો વિધાન સભા સર કરવાનું કોંગ્રેસ માટે વધુને વધુ મુશ્કેલ અને દુષ્કર બની જશે.
કોંગ્રેસની જે પરંપરા અગાઉ હતી એ પરંપરા છેલ્લા કેટલાક દાયકાઓથી વિસરાઇ ગઇ છે. કોંગ્રેસના પૂર્વ નેતાઓ એટલે કે જૂની પેઢીના આગેવાનો શહેરીની સાથે સાથે ગ્રામ્ય જીવન સાથે સીધો સંપર્ક જાળવી શકતા હતા અને લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્ર્નો તેમજ સમસ્યાઓ સાથે પુરેપુરો જીવંત નાતો રાખતા હતા જેના કારણે લોકોમાં પણ આ પક્ષ પ્રત્યે એવો વિશ્ર્વાસ પેદા થયો હતો કે, જનતાની સમસ્યાઓને સરકારી તંત્ર સુધી પહોંચાડવા માટે અને તેના નીરાકરણ માટે કોંગ્રેસ પર જ ભરોષો મુકવો જોઇએ અને જન અપેક્ષા પરીપુર્ણ કરવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ અને માધ્યમ કોંગ્રેસ જ છે. કમ નસીબે લોકોમાં ઉંડે સુધી જે વિશ્ર્વાસ હતો અને જે શ્રધ્ધા હતી એ કોંગ્રેસે સંપુર્ણ પણે ગુમાવી દીધા છે. જેના પરીણામે સ્થાનિક ચૂંટણીઓ જીતવાનું કામ પણ કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. છેલ્લા બે થી અઢી દાયકા દરમ્યાન આવું વિપરીત પરીવર્તન આવ્યું છે. જેની કિંમત કોંગ્રેસ ચુકવી રહી છે. છેક ગામડાઓ સુધી કોંગ્રેસના ટોચના નેતાઓ અને કાર્યકરોનો જે સીધો સંપર્ક હતો એ બીલકુલ ધરાશાઇ થઇ ગયો છે. જેના કારણે જે રાજકીય ખાલીપો સર્જાયો તેને ખુબ જ કુશળતા સાથે ભાજપે ભરી દીધો છે અને તેના મીઠા ફળ ચાંખી રહયો છે.
કોંગ્રેસના જૂની પેઢીના આગેવાનો એસી ઇમારતો, દફતરો અને ચળકતી આધુનીક કારમાં બેઠા રહીને રાજકારણ રમવાનું પસંદ કરતા ન હતા. બલકે હંમેશા લોકોની વચ્ચે રહેતા હતા. લોકોને પીડા આપતા પ્રશ્ર્નો હંમેશા ઉજાગર કરતા રહેતા હતા. સત્તા પર આવે કે વિપક્ષની પાટલી પર બેઠા હોય પ્રજાને પીડા આપતી સમસ્યાઓ વિશે હંમેશા કોંગ્રેસની લડત ચાલતી રહેતી હતી. કોંગ્રેસ જાણે કે પોતાની પરંપરાઓને ભુલી ગઇ છે. ગુજરાતમાં રાંધણ ગેસ અને ઇંધણના ભાવ વધારેએ આડો આક વાડી નાખ્યો છે.