રવિવારે યોજાયેલી જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં મળેલા પરિણામો મુજબ ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારબાદ હવે ભાજપનાં કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી શરુ કરી દેવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી રુપાણી પણ શામેલ થયા હતા. જો કે મોટાભાગની બેઠકોમાં ભગવો લહેરાયો છે પરંતુ આ વચ્ચે ઘણી જગ્યાએ મારા-મારીનાં બનાવો બન્યા છે. આપને જણાવી દઇએ કે, મતગણતરી હાલમાં પણ ચાલુ છે,
જે વચ્ચે પેટલાદથી પથ્થરમારો થયો હોવાનું સામે આવી રહૃાુ છે. પેટલાદ ચૂંટણીનાં પરિણામો જાહેર થયા છે, જે વચ્ચે શહેરનાં વોર્ડ નંબર ૭ માં પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગુલશન નગર સોસાયટીમાં આ પથ્થરમારો થવાથી અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. આ પથ્થરમારામાં ઘણી ગાડીઓ અને ટ્રકનાં કાચ તૂટ્યા છે. જેને ધ્યાનમાં રાખી પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
પોલીસે આ વચ્ચે ટોળાને વિખેરી સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલા રાજ્યના ૬ મહાનગરો અને ત્યારબાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો રકાસ નીકળી ગયો છે, જયારે ભાજપનો એકતરફી વિજય થયો છે. કોંગ્રેસ માટે કડવી પણ સચ્ચાઇ છે, જે તેણે હવે સ્વીકારવી જ રહી.