પુણેમાં વેક્સિન ડિસ્ટ્રીબ્યૂશનનું સેન્ટ્રલ કેન્દ્ર: વિમાન દ્વારા દેશભરના વેક્સિન પહોંચાડાશે

41

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વેક્સિનની પ્રથમ બેચ માટેની વહેલી તકે તૈયારીઓ પૂર્ણ કરવા જણાવ્યું છે. તેમને ટૂંક સમયમાં જ કોરોના વેક્સિનની ડિલીવરી કરવામાં આવશે.જ્યારે, આ રાજ્યોમાં વેક્સિનની ડિલીવરી પહોંચાડવા માટે વાયુસેનાના સુપર હર્ક્યુલસ સી-૧૩૦જીએસ અને એન્ટોનોવ એએન-૩૨એસ જેવા વિમાનની મદદ લેવામાં આવશે. કોરોના વેક્સિનનું ટ્રાન્સપોર્ટેશન એક-બે દિવસમાં જ શરૂ થઈ જશે. સરકારે આ માટે પેસેન્જર એરક્રાટને મંજૂરી આપી દીધી છે.

વેક્સિનના વિતરણ માટે પુણે સેન્ટ્રલ કેન્દ્ર રહેશે. અહીંયાથી જ વેક્સિનનું ડિસ્ટ્રીબ્યૂશન કરવામાં આવશે. દેશમાં વેક્સિનની ડિલિવરી માટે ૪૧ સ્થળોને ફાઇનલ કરવામાં આવ્યા છે. સરકારના સૂત્રોના હવાલેથી ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે ઉત્તરના વિસ્તારો માટે દિલ્હી અને કરનાલ મિની હબ હશે. જ્યારે પૂર્વના ક્ષેત્રો માટે કોલકાતા હબ હશે. આ ઉત્તર-પૂર્વ માટેનું નોડલ પોઈન્ટ પણ હશે. જ્યારે, ચેન્નઈ અને હૈદરાબાદને દક્ષિણ ભારત માટે પસંદ કરવામાં આવ્યું છે.

આંધ્ર, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તમિળનાડુ, તેલંગાણા, યુપી અને બંગાળમાં વેક્સિનની સપ્લાય કરવામાં આવશે. અંદમાન-નિકોબાર, અરુણાચલ, ચંદીગઢ, દમણ અને નગર હવેલી, દમણ-દીવ, ગોવા, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પુડ્ડુચેરી, સિક્કિમ, ત્રિપુરા અને ઉત્તરાખંડને સરકારી ડેપોમાંથી વેક્સિન મળશે.

બુધવારે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો હતો. ૨૦ હજાર ૪૭૨ નવા દર્દીઓ મળી આવ્યા, જ્યારે ૧૯ હજાર ૬૮૯ દર્દી સાજા થયા અને ૨૨૨ લોકોનાં મૃત્યુ થયાં હતા. ૨૬ ડિસેમ્બર પછી આ પહેલીવાર બન્યું છે કે નવા દર્દીઓની સંખ્યા સાજા થયેલા દર્દીઓ કરતા વધારે છે. સાથે જ એક્ટિવ કેસ, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ૫૪૭નો વધારો નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં ૧.૦૩ કરોડ લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. આમાંથી ૧ કરોડ દર્દીઓ સાજા થયા છે. ૧.૫૦ લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને ૨.૨૫ લાખ સારવાર હેઠળ છે.