પાવીજેતપુર પાસે મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૩ યુવાનના મોત

69

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસકાલ ગામમાં મંગળવારે મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં રાઠવા સમાજના ૩ યુવાનના મોત થયા હતા. એક મૃતક યુવાનના જેકેટ અને બાઇકમાંથી દારૂની બોટલો મળી આવી હતી. ત્રણ યુવાનના મોતને પગલે રાઠવા સમાજમાં ગમગીની ફેલાઇ ગઈ છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસકાલ ગામમાં મંગળવારે રાત્રિના સમયે બે બાઇક સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બૈડવી ગામના રાજેશ રાઠવા અને સુરખેડા ગામના મહેશ રાઠવાના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં બાઇકનો કચ્ચરઘાણ વળી જતા લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા, જ્યારે જયદીપ રાઠવાને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ યુવક સૂરખેડા ગામનો વતની હતો. આ ઉપરાંત બૈજવી ગામના અનિલ રાઠવાની તબિયત નાજૂક હોવાનું જાણવા મળી રહૃાું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસે મૃતક યુવકોના પોસ્ટમોર્ટમ કરાવીને ઘટનાની તપાસ શરૂ કરી છે. મંગળવારે મોડી રાત્રે રાજેશ પટુભાઇ રાઠવા પાવીજેતપુરથી બોડેલી તરફ જઇ રહૃાો હતો, ત્યારે સામેથી આવતી બાઇકન સાથ અથડાતા અકસ્માત થયો હતો. બે બાઇકને નડેલા અકસ્માતમાં પહેલા તો કોઇ અજાણ્યા વાહન ટક્કર ફરાર થઈ ગયુ હોય તેમ લાગી રહૃાું હતું, પરંતુ, પોલીસે સમગ્ર મામલાની તપાસ કરતા દારૂની હેરાફેરી કરતી બાઇક સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયાની વાત બહાર આવી છે. બાઇક ચાલક રાજેશના કાળા કલરના જેકેટના અંદરના ભાગે શર્ટમાં વિદેશી દારૂની ૧૦ બોટલો બોટલ મળી આવી હતી.

ત્યાર બાદ બાઇકની પણ તપાસ કરતા સીટ નીચેથી બનાવેલા ચોરખાનામાંથી બીજી બોટલો મળી આવી હતી. દારૂ ભરીને બેફામ ચાલતા બાઇક ચાલકે સામેની બાઇક સાથે અથડાઇ અને ૩ યુવાનોના મોત નિપજ્યા હતા અને ત્રણ પરિવારોના કુળદીપક ઓલવાઇ જતાં છોટાઉદેપુર જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. જ્યારે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.