પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી, આપઘાતનો પ્રયાસ

13
Saurashtra Kranti logo
saurashtra kranti logo

આજે આઠમી માર્ચ, એટલે કે વિશ્ર્વ મહિલા દિવસ છે. આજના દિવસે જ પંચમહાલ જિલ્લામાં એક મહિલાને આપઘાત કરતા બચાવી લેવામાં આવી છે. મહિલા પોતાના પુત્ર સાથે તળાવમાં છલાંગ લગાવવા જઈ રહી હતી. જોકે, કોઈ જાગૃત નાગરિકે મહિલાને આવું કરતા અટકાવી હતી અને પોલીસને જાણ કરી હતી. આ કેસમાં એવી વિગત સામે આવી છે કે મહિલાના પતિને જેલમાં પુરાવનાર વ્યક્તિએ મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી. મહિલા જ્યારે ફરિયાદ પાછી ખેંચવા માટે આજીજી કરવા પહોંચી હતી ત્યારે ફરિયાદીએ તેની સાથે અંગતપળો માંણવાની માંગણી કરી હોવાનો મહિલાએ આક્ષેપ લાગાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણ પંચમહાલના હાલોલમાં વિશ્ર્વ મહિલા દિવસે જ એક મહિલા પોતાના ૧૬ વર્ષના દીકરા સાથે હાલોલ તળાવમાં આપઘાત કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન તળાવ પાસે ઊભેલા એક વ્યક્તિની નજર મહિલા પર પડતા તેણે મહિલાને આપઘાત કરતા અટકાવી હતી. જે બાદમાં વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરવા માટે જઈ રહેલી મહિલાનો પતિ જેલમાં હોવાનું સામે આવ્યું છે. મહિલાની પૂછપરછમાં આવી પણ વિગતો ખુલી છે કે મહિલાના પતિને જે વ્યક્તિએ જેલમાં પુરાવ્યો હતો.

તેણે મહિલા પાસે અભદ્ર માગણી કરી હતી. જે બાદમાં મહિલાને લાગી આવતા પુત્ર સાથે આપઘાત કરવા માટે દોડી આવી હતી. મહિલાએ જણાવ્યું છે કે તે પતિ સામેની ફરિયાદ પાછી ખેંચવાની આજીજી કરવા માટે ફરિયાદી પાસે ગઈ હતી. આ દરમિયાન પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ મહિલાને તેની સાથે અંગતપળો માણવાની માંગણી કરી હતી. જે બાદમાં મહિલાને લાગી આવ્યું હતું અને તેણી આપઘાત કરવા માટે દોડી ગઈ હતી.