બસ મથકની આસપાસ ઉભા ન રહેવા દેવાતા ભારે દેકારો, રોજી મેળવવા માટે બસ પોર્ટ પાસે ઉભા ન રહીએ તો કયાં રહીએ?
નવુ બસ પોર્ટ બનતા જ રીક્ષા ચાલકોની છીનવાતી રોજી રોટી
રાજકોટની મધ્યમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા અતિ આધુનીક બસ પોર્ટને કારણે રોજનું કમાઇને રોજ ખાતા સેંકડો રીક્ષા ચાલકોની રોજી રોટી છીનવાઇ જવા પામી છે અને ભારે હોબાળો મચી ગયો છે. રીક્ષા ચાલકોની અવદશા માટે બસ પોર્ટના સ્થાનિક સંચાલકોની અડવીતરી નીતિરીતીઓ જવાબદાર હોવાની ગંભીર ફરીયાદો ઉઠવા પામી છે. બસ સ્ટેશનમાં અવર-જવર કરતા મુસાફરો પર જ જેમની રોજી રોટીનો આધાર છે. એવા રીક્ષા ચાલકોને બસ પોર્ટ પાસે ઉભા નહીં રહેવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે અને કલમના એક ઝાંટકે સેંકડો પરીવારોને ભુખમરાની ખાઇમાં ધકેલી દેવામાં આવ્યા છે.
ઘણી વખત એવું બને છે કે, રાત્રીના સમયે બહારગામથી આવ્યા હોય અને પરીવાર સાથે બસ પોર્ટ પર ઉર્ત્યા હોય એવા લોકોને પોર્ટની બહાર આવતા કયાંય રીક્ષા નજરે ચડતી નથી પરીણામે આવા મુસાફરોને પરીવાર સાથે ઘરે કેમ પહોંચવું તેની મથામણ ત્યાં ઉભા રહીને કરવી પડે છે. નવા સવા બસ પોર્ટના દરવાજાઓ ઉપર ગોઠવાઇએ બાઉન્સરોની દાદાગીરી હદ વટાવી જતી હોય છે. દરવાજાનું રક્ષણ કરવા માટે અને કોઇ અકસ્માત ન થાય એ માટે ગોઠવાયેલા બાઉન્સરો રીક્ષા ચાલકને જોઇને ભુરાયા થાય અને લાકડીઓ લઇને પાછળ દોડ છે. રીક્ષા ચાલક જાણે કોઇ ગુનેગાર હોય એ રીતે આ બાઉન્સરો પોતાની જાતને પોલીસમાનીને રીક્ષાવાળાઓને બસ પોર્ટની બહાર પણ કયાંય ઉભા રહેવા દેતા નથી. પરીણામે સેંકડો મુસાફરોને હેરાનગતી અને પરેશાનીનો સામનો કરવો પડે છે તો બીજી તરફ રીક્ષા ચાલકોને રોજી રોટી કમાવવાના પણ ફાફા થઇ જાય છે. બીજી સૌથી મોટી સમસ્યા મેમોની છે. બસ પોર્ટને સામેના રોડ પર ઉભા હોય એવા રીક્ષા ચાલકોને પકડી લઇ ત્યાં ઉભેલા ટ્રાફીકના પોલીસ કર્મીઓ રૂ.500-500નો મેમો ફાડીને રીક્ષા ચાલકના ખીસ્સા ખંખેરી લે છે કયારેક રૂ.1000નો દંડ પર ફટકારી દેવામાં આવ્યો હોય એવું પણ બન્યું છે. એક તરફથી ધંધો નથી, આખો દિવસ વેયતરૂ કરે તો પણ માંડ રૂ.500 ભેગા થતા હોય એવા પણ દંડ કરીને દિવસ આખાની કાળી કમાણી છીનવી લેવાનું પાપ બંધ થવું જોઇએ. રીક્ષા ચાલકોએ મેમો હાથમાં રાખીને દેખાવો પણ કર્યા હતા અને એમની સમસ્યાઓ અંગે લાગતા-વળગતા ઓ સમક્ષ જોરદાર રજૂઆતો પણ કરી હતી.