ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠક જીતી છે. કોર્પોરેશનની ચૂંટણી બાદ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. સુરત બાદ આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમા ખાતું ખોલાવ્યું છે. તેમાં પણ જે વિસ્તારને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવતો હતો ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત નોંધાવી છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવારે બે મતે જીત નોંધાવી છે.
અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. ધારી તાલુકાની ભાડેર બેઠક પર આપના ઉમેદવાર રેખાબેન સવજીભાઈ પરમારની જીત થઈ છે. આ બેઠકના ભારતીય જનતા પાર્ટીની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવતી હતી. ભાડેર ગામ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થતાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ બંને પાર્ટીઓમાં સન્નાટો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાની અન્ય બેઠકોમાં પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહૃાા હતા.
આ ઉપરાંત ગાંધીધામ તાલુકા પંચાયતમાં આપને એક બેઠક મળી છે. જૂનાગઢ તાલુકા પંચાયત જામકા બેઠક પર આપના કૈલાસ સાવલિયા વિજેતા થયાના સમાચાર મળી રહૃાા છે. કાલાવડ તાલુકા પંચાયતમાં આપના એક ઉમેદવારની જીત થયાના સમાચાર પણ મળી રહૃાા છે. જેસર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને બે બેઠક મળી છે. બનાસકાંઠાના ડીસાના વોર્ડ નંબર ત્રણમાં આપના એક ઉમેદવારની જીત થઈ છે.