અમદાવાદથી કેવડિયા વચ્ચે શરૂ થનાર દેશની પ્રથમ સી પ્લેન સેવા માટે મરિન ટેક ઇન્ડિયા કંપનીએ પાલડી નજીક રિવરફ્રન્ટમાં 24X9 મીટરની કોંક્રીટની જેટી તૈયાર કરી છે. જેટીને બુધારે આંબેડકર બ્રિજ નજીક ઈન્સ્ટોલ કરાઈ છે. જેટીને ખેંચવા માટે મુંબઈથી વિશેષ ફિશિંગ બોટ લાવવામાં આવી હતી.
જેટીને આંબેડકર બ્રિજ સુધીનું અંતર કાપતા 30 મિનિટનો સમય લાગ્યો હતો. જો કે અત્યારે જેટીને ટેમ્પરરી ધોરણે ચેઈનથી બાંધી લાંગરવામાં આવી છે. આ જેટીને રિવરફ્રન્ટની દીવાલથી 10 મીટરના અંતરે ફ્લેક્સિબલ રીતે ફિક્સ કરવામાં આવશે. ત્યારબાદ રિવરફ્રન્ટથી જેટી સુધી જવા આવવા માટે 11 મીટર લાંબો અને દોઢ મીટર પહોળો ગેંગવે (રસ્તો) તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં રિવર ફ્રન્ટની બહારની સાઈડમાં એરોડ્રમની ઓફિસ તેમજ બુકિંગ કાઉન્ટરની પણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.