ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અમદાવાદીઓનાં માથે ઈ-મેમોનું ૧૩૩ કરોડનું દેવું

8

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના પાલન માટે ઈ-મેમો ફટકારવા વિવિધ ટ્રાફિક સિગ્નલો ઉપર સીસીટીવી કેમેરા લગાવાયા હતા. જેમાં પાંચ વર્ષમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા કુલ ૬૦ લાખ ઈ મેમો આપીને રૂ.૧૭૬ કરોડનો દંડ ફટકાર્યો છે. જેમાંથી હજુ સુધી અધધધ રૂ.૧૩૩ કરોડના ઈ-મેમો ભરવાના બાકી છે. સૌથી વધુ સ્ટોપ લાઈન ભંગ બદલ રૂ.૧૨૬ કરોડના દંડ પૈકી રૂ.૨૮ કરોડનો દંડ જ ભરાયો છે. જ્યારે હેલ્મેટ નહીં પહેરવા બદલ અત્યાર સુધી ૩૦ કરોડનો દંડ ફટકારાયો છે. એટલે અમદાવાદીઓ વાહન ચલાવતી વેળા નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવતા હોવાથી પાંચ વર્ષમાં અધધધ કરોડો રૂપિયાનો દંડ ફટકારાયો છે.

શહેરમાં પાંચ વર્ષમાં ૨૦૧૫થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીના પાંચ વર્ષમાં પોલીસે ફટકારેલાં દંડની વિગતો એવી છે, સ્ટોપલાઈનના ભંગ બદલ ૪૦ લાખ ઈ મેમોમાં કુલ ૧૨૬ કરોડનો દંડ, હેલ્મેટ નહીં પહેરવા બદલ ૧૫ લાખ મેમોમાં ૩૦ કરોડ, નો પાર્કિંગના ૨.૯૪ લાખ મેમોમાં ૪ કરોડ, રોંગ સાઈડ વાહન હંકારવાના ૩૧ હજાર મેમોમાં ૨.૯૪ કરોડ, ભયજનક વાહન હંકારવા બદલ ૧૪ હજાર મેમોમાં ૧.૬૯ કરોડનો દંડ આપ્યો હતો. ઉપરાંત ચાલુ વાહને મોબાઈલના ઉપયોગ બદલ ૧૩ હજાર મેમોમાં ૧.૩૮ કરોડનો દંડ, બીઆરટીએસ કોરિડોરમાં ભયજનક ડ્રાયવિંગ બદલ ૩૩ હજાર મેમોમાં ૪ કરોડ, ત્રિપલ સવારીના ૧૪ હજાર મેમોમાં ૧.૪૫ કરોડ, સીટબેલ્ટ વિના વાહન હંકારવાના ૬૪ હજાર મેમોમાં ૯૨ લાખ અને ફેન્સી નંબર પ્લેટના ૧૨ હજાર મેમોમાં ૨૧ લાખનો દંડ અપાયો છે.

જેમાંથી સ્ટોપલાઈન ભંગમાં ૨૮ કરોડનો દંડ જમા થયો છે. એવી જ રીતે હેલ્મેટ ન પહેરવાના ભંગમાં ૮.૯૬ કરોડ, નો પાર્કિંગ ભંગમાં ૧.૪૨ કરોડ, બીઆરટીએસ કોરીડોરમાં વાહન હંકારવાના ભંગમાં ૮૫ લાખ જમા થયા છે. આમ પાંચ વર્ષમાં પોલીસે નિયમોના ભંગમાં અમદાવાદીઓને કુલ ૧૭૨ કરોડનો દંડ આપ્યો છે. જેમાં માત્ર ૪૨ કરોડ જ જમા થયા છે. જ્યારે ટ્રાફિકના નિયમોનો ૧૩૩ કરોડનો દંડ ભરવાનો બાકી છે. એટલે અમદાવાદીઓનાં માથે ઈ મેમોનું ૧૩૩ કરોડનું દેવું છે.