આખરે રાઘાનેસડાથી નીકળતી ખીમાંણાવાસ વીજલાઇનની કામગીરીમાં જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતો સાથે વાવ અને થરાદના ધારાસભ્ય ઉપવાસ ઉપર બેઠા છે. કારેલી ગામડી સહિત ગામડાઓમાં ચોમાસાના ઉભા પાકમાં વાહનો હંકારીને થાંભલા ઉભા કરવાની કામગીરી શરૂ કરાઇ. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
ત્યારે આ અંગે ખેડૂતોએ ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવા છતાં જેટકો કંપની દ્વારા પોલીસને સાથે રાખી કામ ચાલુ કરતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાવ અને થરાદના ધારાસભ્યોની રજૂઆત છતાં કંપનીએ મનમાની કરતાં તેઓ વાવ મામલદાર કચેરી ખાતે ભૂખ હડતાળ ઉપર બેસી ગયા હતા.
ગુલાબસિંહે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરી છે તો ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કારેલી અને ગામડી ગામમાં જેટકો કંપનીની કંપની દ્વારા લાઇન નાખવામાં આવે ત્યાં હાલ ચોમાસુ પાકને નુકસાનની રજુઆત કર્યા બાદ જેટકો કંપની દ્વારા કામ ચાલુ રાખતાં અને ખેડૂતોની માંગ છે કે ખેડૂતો ૨૦૨૦ની જમીન જંત્રી પ્રમાણે વળતર મળે અને હાલ ૧૦ દિવસ ચોમાસુ પાકની કાપણી ચાલુ છે ત્યાં સુધી કામ બંધ રાખે.