ચાર મહાનગરોમાં રાત્રિ કફર્યુ લંબાવાયો

66

15મી માર્ચ સુધી રાતના 12 થી સવારના 6 સુધી કફર્યુ લાગુ રહેશે, રાજય સરકારનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતા પગલું લેવાની ફરજ

ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં ઝડપભેર ઉછાળો નોંધાતા તંત્રમાં દોડધામ, રાજકોટ, અમદાવાદ સહિત છ મહાનગરોમાં ચૂંટણી પુરી થતાં વેંત મહામારીએ ડાચું ફાડયું

હવે ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડ રસીકરણની છૂટ : ચાર્જ વિશે સરકાર મૌન

રાજકોટ સહિત છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પુરી થતા વેત કોરોનાના રાક્ષસે ઉછાળો માર્યો છે અને ઉતપાત મચાવવાનું ફરી શરૂ કરી દીધુ છે. જેના કારણે રાજય સરકાર ચોકી ઉઠી છે અને કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે ફરીથી પગલા લેવાનું શરૂ કર્યુ છે. પહેલા જ મહત્વના નિર્ણયમાં ચાર મહાનગરોનો રાત્રી કફર્યુ લંબાવી દેવાની સરકારને ફરજ પડી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબીનેટની બેઠકમાં રાત્રી કફર્યુ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. સમયમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તા.28 ફેબ્રુઆરીના રોજ રાત્રી કફર્યુની મુદત પુરી થઇ રહી હતી પરંતુ કેબિનેટમાં નક્કી થયા મુજબ હવે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં વધુ 15 દિવસ માટે રાત્રી કફર્યુ લંબાવી દેવામાં આવ્યો છે. તા.15મી માર્ચ સુધી રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ યથાવત રહેશે. કોરોના સંક્રમણને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું રાજય સરકારના સુત્રોએ જણાવ્યું હતું.

રાજયમાં અને ખાસ કરીને આ ચાર મહાનગરોમાં સ્ક્રીનીંય, સવીલન્સ અને ટેસ્ટીંગની કામગીરી વધુ ઝડપી અને ધનીષ્ઠ બનાવવાનો સ્થાનિક તંત્રને રાજય સરકારે આદેશ આપ્યો છે. 1લી માર્ચથી 60 વર્ષથી વધુ ઉમર ધરાવનારા અને 45 થી 59ની ઉમરવાળા કોમોરબીડીટી ધરાવતા નાગરિકોનું સઘન રસીકરણ શરૂ કરવામાં આવશે. એટલા માટે ગુજરાતની સરહદો ઉપર પણ મુસાફરોનું ટેસ્ટીંગ અને સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતની મહારાષ્ટ્ર સાથેની બોર્ડર પરના તમામ ચેક નાકાઓ પર તમામ વાહનો અને મુસાફરોનું ચેકીંગ તથા રેપીડ ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવ્યા છે.

રાજયના અગ્રસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોરોનાનો ફેલાવો અટકાવવા સર્વેલન્સ અને ધનવતરી રથની કામગીરી સઘન બનાવવામાં આવી રહી છે. ડો.રવિએ કહયું હતું કે, કેબિનેટની કોર કમીટીની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ વધતા સંક્રમણ અંગે ચિંતા વ્યકત કરી હતી અને ધડાધડ આદેશો બહાર પાડયા હતા. વેક્સિનેશન ઝડપથી પુર્ણ થાય એ માટે તેમણે ખાસ સુચના આપી છે.

ડો. જયંતી રવિએ કહયું હતું કે, કોવિડ રસીકરણના બીજા તબક્કાની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોને રસીકરણ બાદની આડઅસર અંગે જે પ્રશ્ર્નો સતાવે એ વિશે લોકોને માર્ગદર્શન અને માહિતી આપવા આરોગ્ય નિક્ષણાંતોને સુચના આપવામાં આવી છે. રાજયમાં રસીકરણના પ્રથમ તબક્કામાં 4.82 લાખ હેલ્થ વર્કરને અને 4.14 લાખ ફ્રન્ટલાઇન વર્કરને રસી આપવામાં આવી છે. આ રીતે આંકડાઓ મુજબ રસી આપવામાં ગુજરાત દેશના પ્રથમ ક્રમે છે. હવે 1લી તારીખ થી વયસ્ક નાગરિકો તેમજ 45થી ઉપરની વયના અન્ય રોગો ધરાવતા નાગરિકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે અપાશે. જયારે ખાનગી હોસ્પિટલોમાં રૂ.100 વહીવટી ખર્ચ અને ભારત સરકારે નક્કી કરેલી રસીની કિંમત આભારથી આપવાની રહેશે. રસીકરણના ફેઝ-2 માટે રાજયમાં 500 જેટલા સરકારી અને ખાનગી સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને અથવા સ્થળ પર જઇ નોંધણી કરાવીને રસી મુકાવી શકાશે. નોંધણી માટે આધાર કાર્ડ અને એ ન હોય તો નિયત કરાયેલ કોઇ પણ એક ઓળખ કાર્ડ હોય તો ચાલશે.