ચરોતરનું પેરિસમાં ધર્મજ ડે’ની વર્ચ્યુઅલ ઊજવણી થશે

50

ગુજરાતના પેરિસ તરીકે ઓળખાતા ધર્મજ ગામે અનેક સિદ્ધિઓ પોતાના નામે કરી છે. જેમાં ગામના ગૌચરમાંથી લાખોની આવક ઉભી કરવી, વિદેશની ભૂમિ પર સ્થાયી થઈ વતનને આર્થિક મજબુત કરવું શહેરોમાં ન હોય તેવી વ્યવસ્થાઓ ગ્રામ્યકક્ષાએ ઉભી કરવી વગેરે ધર્મજની એક આગવી ઓળખ છે. ૧૨ જાન્યુઆરીના રોજ છેલ્લા ૧૪ વર્ષથી ધર્મજ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિદેશની ધરતી પર વસતા ધર્મજ વાસીઓ આ દિવસને વતનની યાદૃમાં ઉજવે છે. જેમ દેશમાં સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવામાં આવે છે તે જ રીતે આ ગામ પણ સમાજ માટે ગામમાંથી નોંધનીય યોગદાન આપવા બદલ ધર્મજ રત્નનો એવોર્ડ આપે છે.


પરંતુ આ વર્ષે કોરોનાના કારણે વિદેશથી આવતા ધર્મજ વ્યક્તિઓ ગામની મુલાકાતે આવી શક્યા નથી, ત્યારે જે પ્રમાણે છેલ્લા દસ માસથી અત્યારે મહત્તમ કામ ઓનલાઇન થઈ રહૃાા છે,ત્યારે આ વર્ષે ૧૫મો ધર્મજ ડે વર્ચ્યુઅલ માધ્યમથી ધર્મજ ખાતે ઉજવાશે. છેલ્લાં ૧૪ વર્ષથી ધર્મજ ડેમાં મહત્વપૂર્ણ ધર્મજ રત્ન આપવામાં આવે છે. જેમાં ૧૪ વર્ષમાં ૩૦ જેટલા ધર્મજ વાસીઓને આ ગામનું સર્વોચ્ચ સન્માન આપવામા આવ્યું છે, જેમાં દેશના ફાઇન્સ મિનિસ્ટર એચ.એમ પટેલ, અમૃતા પટેલ(પૂર્વ ચેરમેન નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ), ધીરુબેન પટેલ (પ્રસિદ્ધ સાહિત્યકાર), ઇન્દુ કાકા (ઈપકોવાળા), મીના પટેલ(ઇન્ટરનેશનલ પર્ફોર્મર) જેવા નામ આ સન્માનને બહુમૂલ્ય બનાવે છે.

આ વર્ષે વર્ચ્યુઅલ ઉજવવામાં આવનારા ધર્મજ ડે માં આ સન્માન કોઈને મળશે નહીં, માટે કહી શકાય કે કોરોનાના કારણે આ વર્ષે કોઈ નાગરિક ધર્મજનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત નહીં કરી શકે. આણંદથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલું આ ધર્મજ ગામ તેની આગવી ઓળખ ઉભી કરી આજે વિશ્ર્વમાં નામના બનાવવામાં સફળ નીવડ્યું છે, આ ગામનું શુઆયોજીત માળખું અને બાંધણી એ ગામને અલગ સુવિધા ઉપલબ્ધ કરાવે છે, ગામમાં ૧૩ જેટલી બેંકો આવેલી છે, જેમાં વિદેશની ધરતી પર રહેતા ગામના નાગરિકો એ કરોડો રૂપિયાની થાપણો જમા કરાવી છે, ગામમાં આરોગ્ય માટે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે, જેમાં રાહત દરે આંખ, કાન, હાડકા, હદય રોગ બાળરોગ જેવી ઘણી આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.