ઘરેથી ફરવા નીકળેલા બે સગીર ભાઇઓએ ડરથી અપહરણનું નાટક કર્યું

63

મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-૨ ઉપર ચાલુ રાજધાની ટ્રેનમાંથી બે બાળકોએ પડતું મૂકતાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તે બંને પિતરાઇ ભાઇ હોવાનું અને અમદાવાદ ઇસનપુરથી તેમનું અપહરણ થયાનું કહેતાં રેલવે અને આરપીએફ એક્ટીવ થઇ ગઇ હતી. પરંતુ ઇસનપુર પોલીસની તપાસમાં બંને બાળકોએ ફરવા જવા ઘરેથી નીકળ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. મહેસાણા આરપીએફના પીએસઆઇ સુભાષચંદ્રએ જણાવ્યું કે, તેઓ પો.કો.રાજેશસિંહ સાથે શુક્રવારે રાત્રે ૮ વાગે પ્લેટફોર્મ-૨ ઉપર ફરજ પર હતા, ત્યારે ચાલુ રાજધાની ટ્રેનમાંથી બે બાળકો પ્લેટફોર્મ પર પડતાં ૧૦૮માં સિવિલમાં સારવાર માટે મોકલ્યા હતા.

અહીં તેમની પૂછપરછ કરતાં તે આકાશ અવિનાશ શર્મા (૧૦) રહે. રાધાકૃષ્ણ સોસાયટી, ન્યુ અંબિકાનગર મકાન-૧૧, ઇસનપુર અને આર્યન ડાલુ શર્મા (૧૨) હોવાનું અને ઇસનપુરથી બે વ્યક્તિએ અપહરણ કર્યાનું જણાવ્યું હતું. પરંતુ આ બંને બાળકો સ્ટાફની ડેમુ ટ્રેનમાંથી ઉતરી પ્લેટફોર્મ પર ઉભા રહૃાા હતા અને રાજધાની ટ્રેન આવતાં અમદાવાદ-દિલ્હી લખેલું વાંચી તેમાં ચઢી ગયા.

પરંતુ મુસાફરોએ ટ્રેન અમદાવાદ નહીં દિલ્હી જતી હોવાનું કહેતાં ચાલુ ટ્રેને કૂદકો માર્યો હતો. જ્યારે ઇસનપુર પીએસઆઇ ડી.જે. નકુમે જણાવ્યું કે, બંને બાળકો ગુમ થયાની જાણવા જોગ નોંધાતાં વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ ચાલુ હતી, ત્યાં બાળકો મળ્યાની જાણ થતાં તેમને શનિવારે પોલીસ સ્ટેશન લવાયા હતા. જ્યાં તેમનું અપહરણ નહીં પણ ફરવા માટે ઘરેથી નીકળ્યા હોવાનું અને મહેસાણા સ્ટેશન પર ઉતરતાં પરિવારની યાદ આવતાં પરત ઘરે જવા ટ્રેનમાં બેઠા હોવાનું નિવેદન આપ્યું છે.