ગોંડલમાં મરચાની મબલક આવકથી યાર્ડનું મેદાન, શેડ અને ગોડાઉન ટૂંકા પડ્યા

31

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાંથી જણસીની ખરીદી કરવા લોકો અને વેપારીઓ આવી રહૃાા છે. ત્યારે રવિવારે યાર્ડના તંત્ર દ્વારા લાલ મરચાંની આવક શરૂ કરવામાં આવી હતી અને આજે સોમવારે ગોંડલીયા મરચાની ૭૦ હજારથી પણ વધુ ભારીની બમ્પર આવક નોંધાઇ હતી. જેને પગલે માર્કેટિંગ યાર્ડનું મેદાન, શેડ અને ગોડાઉન પણ ટૂંકા પડ્યા હતા. ગોંડલનું મરચું સમગ્ર દેશમાં વખણાય છે, અને આ ગોંડલિયા મરચાને ખરીદવા માટે વેપારીઓ ગામેગામથી આવે છે. જેની આવી બમ્પર આવકને અનુરૂપ યાર્ડમાં આવેલા પ્રત્યેક ખેડૂતોને એક મણ મરચાનાં ૨૦૦૦થી લઈને ૩૫૦૦ રૂપિયા સુધીના ભાવ મળી રહૃાાં છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા એટલી સરળ અને સહજ છે કે ખેડૂતોને એક પણ જાતની અડચણ ઉભી થતી નથી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ ત્યાં આવનાર પ્રત્યેક ખેડૂતોને પૂરતો સહયોગ આપે છે. મરચાની બમ્પર આવકથી સમગ્ર યાર્ડના ખૂણેખૂણા ભરાય ગયા હતા. માટે યાર્ડ તંત્ર દ્વારા યાર્ડની બહાર ખાનગી માલિકીના ખેતરમાં આશરે ૨૦ હજારથી પણ વધારે મરચાની ભારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મરચું લઇને આવનાર ખેડૂતોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, વાઇસ ચેરમેન કનકિંસહ જાડેજા અને યાર્ડ તંત્ર દ્વારા સતત તકેદૃારી રાખવામાં આવી રહી છે.