ગુજરાત માટે બુધવાર અમંગળ સાબિત થયો: જુદા-જુદા અકસ્માતોમાં ૯ લોકોના મોત

72

ગુજરાત માટે આજે બુધવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. ગુજરાતમાં આજે અલગ અલગ વિસ્તારોમાં ૫ અકસ્માતો સર્જાયા છે જેમા કુલ ૯ લોકો મોતને ભેટ્યા છે. રાજ્યમાં કચ્છ, વડોદરા, નવસારી અને આણંદમાં ગમખ્વાર અકસ્માતના બનાવો નોંધાયાં છે.

આજે સવારે આણંદ જિલ્લાનાં ખંભોળજ પાસે કણભઈપુરા ગામે અરેરાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. આ અરેરાટીભર્યા અકસ્માતમાં આઇશર ટેમ્પોએ બાઇકને ટક્કર મારી હતી. જેમા બાઈક સવાર ૩ યુવાનના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. જોકે અકસ્માત સર્જી આઈશર ટેમ્પોનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા ખંભોળજ પોલીસએ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી ઘટનામાં વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમા ૩ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના કરજણના કંડારી ગામ પાસે બની છે. અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો, મૃતક ત્રણેય યુવકો પાદરાના હોવાનું સામે આવ્યું છે.

ત્રીજી ઘટનામાં નવસારી નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે ૪૮ પર ભયંકર અકસ્માત થયો હતો. જેમાં વલસાડથી સુરત તરફ જતી હોન્ડા સિટી કારનું ટાયર ફાટતા કાર અમદાવાદ મુંબઈ ટ્રેક પર ફંગોળાયેલી કાર સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ચોથી ઘટનામાં નશામાં ધૂત કારચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડતા મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદૃ કારચાલક ફરાર થાય તે પહેલા જ લોકોએ તેને પકડી લીધો હતો અને માર મારી પોલીસને સોંપ્યો હતો.

પાંચમી ઘટનામાં સુરત ગોડાદરા વિસ્તારમાં આજે બપોરે ટ્રેલરે બાઈક ચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના સમયે ઉશ્કેરાયેલા લોકોએ ટ્રેલરમાં આગ લગાડી દીધી હતી.