જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓમાં 60 ટકાથી વધુ જોરદાર મતદાન નોંધાયું છે. આ રીતે મહાનગરોના મતદારો કરતા ગ્રામ્ય મતદારોએ વધુ ઉત્સાહ બતાવ્યો છે અને મોટા પાયે મતદાન કરવા આગળ આવ્યા છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓમાં છ મહાનગરો કરતા ઘણું વધારે મતદાન પંચાયત અને પાલિકા ચૂંટણીઓમાં નોંધાયુ છે જે ખુબ જ ઉત્સાહ પ્રેરક છે. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા મુજબ 31 જિલ્લા પંચાયતોમાં સરેરાશ 65.80 ટકા જેવું ઘીંગુ મતદાન નોંધાયુ છે. જયારે 231 તાલુકા પંચાયતોમાં સરેરાશ 66.60 ટકા જેટલુ મતદાન થયું છે. 81 નગરપાલિકાઓમાં 58.82 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. માત્ર 15 નગરપાલિકા ચૂંટણીઓમાં ઓછું મતદાન થયું છે અને એવરેજ 47.63 ટકા મતદાન થયું છે. 3 તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓમાં પણ 68.65 ટકા જેવું ભારે મતદાન થયાનું નોંધાયું છે.
આવતીકાલે મત ગણતરી થનાર છે. અને સાંજ સુધીમાં મોટા ભાગના પરીણામો જાહેર થવાની શકયતા છે. મનપાની ચૂંટણીઓમાં ઓછુ મતદાન થયું હોવાથી નિરાશ થયેલા રાજકીય પક્ષો પંચાયતો ભારે મતદાનને કારણે ભારે ગેલમાં આવી ગયા છે. વિજયના દાવા-પ્રતિદાવા થઇ રહયા છે. કોણ ફાવશે તેનો ફેંસલો આવતીકાલ તા.2ને મંગળવારે થઇ જશે.