ગુજરાતમાં ભાજપ અડીખમ: કોંગ્રેસનો સફાયો

15

છ મનપા બાદ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો

ગામડાઓમાં ભાજપનું વિજય રોડરોલર ફરી વળ્યું, કોંગ્રેસના સુપડા સાફ, ૨૩૧ તા.પંચાયતોની ૪૭૭૪ સીટોમાંથી ભાજપને ૩૧૩૯, કોંગ્રેસને ૧૧૭૨ અને આપને ૩૦ બેઠકો મળી
જિલ્લા પંચાયતની ૯૮૦ સીટોમાંથી ૭૮૦ ભાજપને ફાળે, કોંગ્રેસને ફાળે ૧૭૦ અને અન્યને ૧૧ મળી
નગરપાલિકાની કુલ ૨૭૨૦ બેઠકોમાંથી ભાજપને ૨૧૦૪,કોેંગ્રેસને ૧૨૪૦ અને અન્ય ૨૧૦ બેઠકો મળી
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપની જીત: ૧૯ બેઠક પર વિજય

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપ જીતી રહૃાું છે, જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. અમદાવાદમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયત કબજે કરવા છતાં જિલ્લા પંચાયતનું પ્રમુખપદ ભાજપે ગુમાવ્યું છે. ૨૩૧ તાલુકા પંચાયતોની ૪૭૭૪ બેઠકોમાંથી ભાજપને ૩૧૩૯, કોંગ્રેસને ૧૧૭૨ અને આપને ૩૦ બેઠકો મળી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો ૯૮૦ જિલ્લા પંચાયત સીટોમાંથી ૭૮૦ ભાજપને ફાળે, કોંગ્રેસને ફાળે ૧૭૦ અને અન્યને ફાળે ૧૧ સીટો આવી છે. જ્યારે નગરપાલિકાની કુલ ૨૭૨૦ બેઠકોમાંથી ભાજપને ૨૧૦૪, કોંગ્રેસને ૧૨૪૦ અને અન્યને ફાળે ૨૧૦ બેઠકો ગઇ છે.
અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની ૫૪ બેઠક પર ભાજપની જીત થઈ છે, જ્યારે તાલુકા પંચાયતમાં ભાજપ ૬૧ સીટથી આગળ છે, જ્યારે કોંગ્રેસે ૨૫ અને અપક્ષ ત્રણ બેઠકો પર છે.અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકામાં ભાજપે ૨૪ બેઠકોમાં ૨૪ બેઠક મેળવી છે.

અમદાવાદમાં ૧૧ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. ખાસ કરીને હાર્દિકના વતન વિરમગામમાં કોંગ્રેસની હાર થઈ છે અને ભાજપની સાત સીટ પર જીત થઈ છે. અમદાવાદની ૧૩ તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થયું છે, જેમાં ૧૧ ભાજપના ફાળે, બે કોંગ્રેસના ફાળે ગઈ છે. ગાંધીનગર જિલ્લા પંચાયત બેઠકમાં અમરાજીના મુવાડા-૨ બેઠક પર ભાજપના પારસબહેન કિરીટિંસહ બિહોલા ૧૦,૩૫૩ મતે વિજયી થયા છે.
ગાંધીધામ નગરપાલિકામાં લહેરાયો ભગવો, ૫૨ બેઠકમાંથી ૪૭ બેઠકો પર ભાજપની જીત, ૫ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. જયારે વલસાડ તા.પં.ની કુલ ૩૨ સીટમાં ૨૯ ભાજપ, ૦૨ કોંગ્રેસ અને ૦૧ અપક્ષની જીત થઈ છે.

જયારે ગાંધીનગર જિલ્લા પંચાયત માં ભાજપે ભગવો લહેરાવ્યો છે. કુલ ૨૮ માંથી ભાજપ ૧૯ કોંગ્રેસ ૯ બેઠક મેળવી છે. ગાંધીનગર સૌ પ્રથમ વાર ભાજપ ને બહુમતી મળી છે.

ભાજપે ભરૂચ, વડોદરા, તાપી, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ, રાજકોટ, ડાંગ, જામનગર, નવસારી, દાહોદ સહિતની જિલ્લા પંચાયતો કબ્જે કરી છે તો મોરબી, તાલાલા, ઉના, સુત્રાપાડા, ભરૂચ, જંબુસર, અંકલેશ્ર્વર, આમોદ વગેરેમાં સત્તા મેળવી છે. પરિણામોમાં સૌથી વધુ ચોંકાવ્યા હોય તો આમ આદમી પાર્ટીએ. આ પક્ષે ગ્રામિણ વિસ્તારમાં પણ ઉજળો દેખાવ કર્યો છે. આ લખાય છે ત્યારે ૪૬ બેઠક પર આપનો વિજય થયો છે. જ્યારે શહેરો બાદ ગામડાઓમાં પણ કોંગ્રેસને ભારે નુકશાન થયુ છે. ભાજપે આજે કમલમ ખાતે વિજયોત્સવ મનાવ્યો છે. ૨૦૧૫માં ભાજપ ત્રણેય મોરચે પાછળ રહી ગયુ હતુ જે આ વખતે તેણે સફળતા મેળવી છે. સર્વત્ર ભગવો લહેરાવા જઈ રહૃાો છે. કોંગ્રેસના પંજા પર ભાજપનુ બુલડોઝર ફરી વળ્યુ છે. અનેક એવા કોંગ્રેસના ગઢ હતા જે ભાજપે ધ્વસ્ત કરી નાખ્યા છે.

ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયત ૨૩૧ તાલુકા પંચાયત તથા ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ૨૩ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં તાલુકા પંચાયતોમાં સરેરાશ ૬૬.૮૪ ટકા જેટલું મતદાન થયું હતું. ૨૦૧૫માં ૨૩૧ તાલુકા પંચાયતોની ૪૭૧૫ બેઠકમાંથી કોંગ્રેસને ૨૫૫૫ ભાજપને ૨૦૧૯ અને ૧૪૧ અન્યને મળી હતી. ૨૦૧૫માં પાટીદાર આંદોલનને કારણે તાલુકા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો.