હવે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. ક્રમશ ઠંડીની અસર જોવા મળી રહી છે. મોટાભાગના શહેરના તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહૃાો છે. તો આજે બુધવારે ગુજરાતનું હિલ સ્ટેશન કહેવાતું નલિયા ઠંડુગાર બન્યું છે. નલિયાનું લઘુતમ તાપમાન આજે ૮ ડિગ્રી નોંધાયું છે. ગઈ કાલે પારો ૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. તો ભૂજનું તાપમાન ૧૦.૪ ડિગ્રી અને કંડલાનું તાપમાન ૧૩.૫ ડિગ્રી પહોંચ્યું છે. હજી પણ કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે. આગામી ૪૮ કલાક કચ્છ અને રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી કચ્છમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.
તો બીજી તરફ, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. ધુમ્મસની ચાદર ચારેતરફ ફેલાતા ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું છે. તો બીજી તરફ, વિઝીબિલિટી ઓછી થતા વાહન ચાલકો પરેશાન થયા છે. સાપુતારાએ સફેદ ચાદર ઓઢી હોય એવા દ્રશ્ય સર્જાયા છે. ધુમ્મસને પગલે ઠંડીનો ચમકારો વધી ગયો છે.
રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહૃાો છે. ઠંડીની શરૂઆત થતાં જ અમદાવાદમાં શહેરીજનો ગરમ કપડાની ખરીદી તરફ વળ્યા છે. અત્યાર સુધી કોરોનાની અસર ગરમ કપડાં નવા બજાર પર પણ વર્તાઈ છે. જોકે હવે લોકો ખરીદી કરવા આવતા વેપારીઓ કહી રહૃાા છે કે, હવે બજાર ખૂલી ગયા છે અને લોકો પણ ખરીદી કરવા આવી રહૃાા છે.