શહેરમાં ડ્રેનેજની સફાઇ માટે અત્યાધુનિક રોબોટ વિકસાવવામાં આવ્યો છે. રૂપિયા ૩૮ લાખનો રોબોટ ડ્રેનેજની સફાઇ કરશે. મહત્વનું છે કે, ગટર સફાઇ કરતી વખતે ઘણી વાર કેટલાંક કર્મચારીઓના મોત નિપજતા હોય છે. એવામાં અગત્યનું છે કે, ગાંધીનગરમાં ૩૮ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ રોબોટ ગટર સાફ કરવામાં ખાસ મદદરૂપ નીવડશે. જેનાથી ગટરમાં ઊતરીને કામ કરતા કર્મચારીઓના ગૂંગળામણથી થતા મોતના આંકડામાં ઘટાડો થઇ શકે છે.
ના. મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં ડ્રેનેજની સફાઇ માટે ૩૮ લાખના ખર્ચે તૈયાર કરેલ અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું છે. નીતિન પટેલે રોબોટનું લોકાર્પણ કરતા જણાવ્યું કે, ‘ઘણી વાર ભૂગર્ભ ગટરની કામગીરી ખૂબ જોખમી બનતી હોય છે. ત્યારે આ રોબોટના કારણે હવે ડ્રેનેજની કામગીરી સંપૂર્ણ સલામત રીતે થશે. આ મશીનને કારણે ગટરમાં કેટલું કેમિકલ અને કેટલો ગેસ એકઠો થયો છે તેની માહિતી પણ મળી રહેશે. રોબોટનું આ મશીન કામદારો માટે આશીર્વાદરૂપ બની રહેશે. રોબોટને કારણે સફાઇ કામદારોએ મેઇન હોલમાં ઉતરવાની જરૂર નહીં પડે. આ અત્યાધુનિક રોબોટ માટે એક એક હેલ્પર અને ઓપરેટર પણ હાજર રહેશે.