આઝાદીનાં અમૃત મહોત્સવનાં ભાગરૂપે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે આજે સવારે ગાંધીનગર જિલ્લાનાં સરઢવ ગામે યોજાયેલી પ્રભાત ફેરીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વહેલી સવારે જ પહોંચી ગયા હતા અને પ્રભાત ફેરીમાં જોડાઈને ગ્રામજનોનાં ઉમંગમાં સહભાગી થયા હતા.
ગામનાં બે મંદિરોમાં જઈ આરતી ઉતારી હતી અને દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીની આ પહેલને ગ્રામજનોએ ખૂબ પ્રતિસાદ આપ્યો હતો અને આબાલ વૃધ્ધ ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રભાત ફેરીમાં ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ લોકોની વચ્ચે જઈ વાતચીત કરી હતી અને એમનું અભિવાદન ઝીલ્યું હતું.
પ્રભાત ફેરીનાં પ્રારંભ પહેલા મુખ્યમંત્રીએ ગામનાં અંબાજી માતા, રણછોડરાય મંદિર સહિતનાં મંદિરોમાં જઈ મંગળા આરતી કરીને દર્શન કર્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવ અન્વયે ગામડાઓમાં પ્રભાત ફેરી, ગામ તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપાવનારા વ્યક્તિ વિશેષ, નિવૃત ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકોની સન્માન કરવા અને શાળાનો જન્મદિન ઉજવી વૃક્ષારોપણ કરીને લોક ભાગીદારીથી જન ઉત્સવ ઉજવવા આહ્વાન કર્યું છે.
મુખ્યમંત્રીએ એ રીતે સરઢવ ગામમાં જઈને લોક ભાગીદારી સાથે ઉજવણી કરી હતી.
ભુપેન્દ્ર પટેલે ગામમાં નવા આરઓ પ્લાન્ટનું તથા પશુ રસીકરણ કેમ્પનું ઉદ્દઘાટન પણ કર્યું હતું. એ પછી એમણે વૃક્ષારોપણ પણ કર્યું હતું. ગામના પ્રાકૃતિક ખેતી કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું. આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, પૂર્વમંત્રી વાડીભાઈ પટેલ, સરપંચ કિરીટ પટેલ વગેરે જોડાયા હતા.(2.12)