રામનવમીનાં દિવસે સાબરકાંઠાનાં હિંમતનગર અને આણંદ જિલ્લાનાં ખંભાતમાં જૂથ અથડામણો થયા બાદ સજ્જડ સુરક્ષા વ્યવસ્થાને કારણે આજે બંને શહેરોમાં શાંતિ જળવાઈ હતી. હિંમતનગરમાં વણઝારાવાસ વિસ્તારમાં ફરી પથ્થરમારો થતા પોલીસે સઘન કોમ્બિંગ શરૂ કર્યું હતું.
પોલીસે બે એસપી, આરએએફ અને એસઆરપીની ટુકડીઓ સહિત જંગી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આજે પથ્થરમારા બાદ કેટલાક શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. ખંભાતમાં પણ આજે કોઈ છમકલું થયું નથી અને સંપૂર્ણ શાંતિ જળવાઈ છે. પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવી રાખવામાં આવ્યો છે.
રામનવમીનાં દિવસે અને રાત્રે બંને શહેરોમાં જૂથ અથડામણો શરૂ થતા જ પોલીસે સત્વરે લીધેલા પગલાની પ્રશંસા થઇ રહી છે. એક જ રાતમાં પોલીસે પરિસ્થિતિ કાબુમાં લઇ લીધી હતી.